સત્યેન્દ્ર જૈનને ઝટકો: મની લોન્ડરિંગ મામલે દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

નવીદિલ્હી,દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ કેસમાં સહ આરોપી વૈભવ જૈન અને અંકુશ જૈનની જામીન અરજી પણ ફગાવી દીધી છે. આ મામલે ED દ્વારા ગત વર્ષે ૩૦ મેના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી.

૨૧ માર્ચે હાઈકોર્ટે તપાસ એજન્સી અને AAP નેતાના વકીલની દલીલો સાંભળ્યા પછી જામીન અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સત્યેન્દ્ર જૈને અગાઉ કોર્ટને કહ્યું હતું કે, તેમની સામે કોઈ કેસ નથી બનતો અને તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. જૈને એવી પણ દલીલ કરી હતી કે આ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ તેને જેલમાં રાખવાની જરૂર નથી.

આપ નેતાએ ગયા વર્ષે ૧૭ નવેમ્બરે નીચલી અદાલતના આદેશને પડકાર્યો હતો. નીચલી અદાલતે આ આધાર પર જામીનનો ઈનકાર કર્યો હતો કે, આ ગુનામાં જૈનની સંડોવણીના પ્રથમદર્શી પુરાવા છે. સત્યેન્દ્ર જૈન ઉપરાંત નીચલી અદાલતે સહઆરોપી વૈભવ જૈન અને અંકુશ જૈનની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

કોર્ટે કહ્યું કે, જૈને જાણીજોઈને ગુનો છુપાવ્યો હતો અને તે મની લોન્ડરિંગ માટે પ્રથમ દ્રષ્ટીએ દોષિત લાગે છે. હાઈકોર્ટે વૈભવ જૈન અને અંકુશ જૈનની જામીન અરજી પર પણ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ત્રણેયના જામીનનો ED એ કોર્ટ સમક્ષ વિરોધ કર્યો હતો.