સતાધારી ગઠબંધનના સહયોગીઓએ સર્વસંમતિથી અધ્યક્ષના નામ પર નિર્ણય કરવો જોઈએ,ટીડીપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫મી જૂને લોક્સભાના નવા અધ્યક્ષના નામનો પ્રસ્તાવ રજુ કરે તેવી શકયતા છે. આ જાહેરાત ૨૪ જૂનથી ૩ જૂલાઈ સુધી ચાલનારા ૧૮માં લોક્સભા સત્રના આરંભ સાથે જ કરવામાં આવશે. લોક્સભા ચૂંટણીમાં ૨૪૦ બેઠક મેળવ્યા પછી ભાજપ અધ્યક્ષ પદ પોતાની પાસે રાખવા ઈચ્છે છે. સૂત્રોના કહેવા મુજબ, ભાજપ, એનડીએ ગઠબંધનના સહયોગીઓને ઉપાધ્યક્ષપદ આપી શકે છે.આ માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ સહયોગી પક્ષો સાથે વાતચીત કરી રહ્યા છે.

લોક્સભા અધ્યક્ષ માટે ભાજપના સંભવિત ઉમેદવારોમાં આંધ્રપ્રદેશના સાંસદ દગ્ગુબાટી પુરદૈશ્ર્વરી અને અમલાપુરમથી પહેલીવાર ચુંટાયેલા ટીડીપી સાંસદ જીએમ હરીશ બાલયોગીની સાથે વર્તમાન અધ્યક્ષ ઓમ બિરલાના નામ ચર્ચામાં છે.

વિપક્ષોના ઈન્ડિયા ગઠબંધનનો મત એવો છે કે ભાજપે લોક્સભા અધ્યક્ષ પદ એનડીએના સહયોગી જેડીયુ કે ટીડીપીને આપવું જોઈએ. જો કે, નીતીશકુમારની જેડીયુએ સ્પષ્ટ કહ્યું કે, ’એ ભાજપના નિર્ણયનું સમર્થન કરશે.’ જયારે ચંદ્રબાબુ નાયડુની ટીડીપીનું કહેવું છે કે ’સતાધારી ગઠબંધનના સહયોગીઓએ સર્વસંમતિથી અધ્યક્ષના નામ પર નિર્ણય કરવો જોઈએ.’

આ માટે એનડીએના સહયોગીઓ સાથે ભાજપ નેતૃત્વ ૨૨ કે ૨૩ જૂનની આસપાસ બેઠક યોજી શકે છે. ઈન્ડિયા ગઠબંધનના મહત્વના સહયોગી શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે જો ટીડીપી લોક્સભા અધ્યક્ષ માટેની ચુંટણીમાં ઉમેદવાર ઉભો રાખશે તો ઈન્ડિયા ગઠબંધનના તમામ સહયોગી ટીડીપી માટે સમર્થન સુનિશ્ર્ચિત કરશે.

રાઉતે એમ પણ કહ્યું કે, અમને અનુભવ છે કે ભાજપ એ લોકો સાથે વિશ્ર્વાસઘાત કરે છે. જે તેમને સમર્થન આપે છે. મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસને એનડીએમાં તિરાડ પડવાની હજુ આશા છે, પરંતુ હમણાં એવા કોઈ સંકેત સાંપડી રહ્યા નથી.હકીક્ત એ પણ છે કે, અધ્યક્ષ પદને લઈને ટીડીપી સમજી-વિચારીને આગળ વધી રહી છે. જો આગામી સપ્તાહમાં વિપક્ષો લોક્સભા અધ્યક્ષ પદ માટે ઉમેદવાર ઉતારશે, તો આ આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર અધ્યક્ષ પદની ચુંટણી યોજાશે.

આ પહેલા લોક્સભા અધ્યક્ષ ને સર્વસંમતિથી જ ચુંટવામાં આવ્યા છે. આઝાદી પછી યોજાયેલી પ્રથમ લોક્સભા ચૂંટણી પછી ગણેશ વાસુદેવ માવળંકર અધ્યક્ષ (૧૯૫૨-૧૯૫૭) બન્યા હતા.