સટ્ટાબાજીની ઓનલાઇન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે:સરકારે નવી એડવાઇઝરી જાહેર કરી

  • મીડિયાએ આવી જાહેરાતો બતાવવી જોઈએ નહીં, કાયદાનું ઉલ્લંઘન થશે તો દંડનીય કાર્યવાહી થશે.

નવીદિલ્હી,ટીમ બનાવો, ઇનામ મેળવો, દાવ લગાવો અને નસીબ બદલો. આવી લલચાવનારી જાહેરાતો દ્વારા સટ્ટો લગાવીને રૂપિયા કમાવવાનું સપનું બતાવતી ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુરુવારે આ અંગે એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે કહ્યું હતું કે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓનલાઈન ગેમની તપાસ કરવામાં આવશે. નિયમોનું પાલન થાય તો જ ઓનલાઈન ગેમ્સને પબ્લિક પ્લેટફોર્મ પર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે, સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે મીડિયા પ્લેટફોર્મ્સે પણ સટ્ટાબાજીની જાહેરાતો ચલાવવાનું ટાળવું જોઈએ. જો એડવાઈઝરી નહીં સ્વીકારાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આઈટી રાજ્યમંત્રી ચંદ્રશેખરે કહ્યું હતું કે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓનલાઈન ગેમની તપાસ કરવામાં આવશે. માત્ર એવી ઓનલાઈન ગેમ્સને જ મંજૂરી આપવામાં આવશે, જેમાં સટ્ટાબાજીનું કોઈ કામ ન હોય. મીડિયામાં ચાલતી સટ્ટાબાજીની જાહેરાત અંગે સરકારે કહ્યું હતું કે સટ્ટાબાજી અને જુગાર કાયદા મુજબ ગેરકાયદે છે. એનો પ્રચાર કરવાનું ટાળો. સરકારનું કહેવું છે કે જો કોઈ મીડિયા પ્લેટફોર્મ પ્રત્યક્ષ કે આડક્તરી રીતે સટ્ટાબાજીની જાહેરાત કરશે તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો ૨૦૨૧ અનુસાર, મંત્રાલયે કહ્યું હતું કે સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો એક ગેરકાયદે પ્રવૃત્તિ છે, જે ડિજિટલ મીડિયા પર બતાવી શકાતી નથી.એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે પ્રમોશનલ કન્ટેન્ટ અને બેટિંગ પ્લેટફોર્મની જાહેરાતો હજુ પણ કેટલાંક ન્યૂઝ પ્લેટફોર્મ અને ર્ં પ્લેટફોર્મ પર દેખાઈ રહી છે. ઑનલાઇન ઑફશોર સટ્ટાબાજીના પ્લેટફોર્મ્સે જાહેરાત કરવા માટે સરોગેટ પ્રોડક્ટ તરીકે સમાચાર વેબસાઇટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

ઓક્ટોબર ૨૦૨૨માં કેન્દ્ર સરકારે ન્યૂઝ વેબસાઇટ્સ,ઓટીટી પ્લેટફોર્મ અને ખાનગી સેટેલાઇટ ચેનલોને સટ્ટાબાજીની વેબસાઇટ્સ અથવા એપ્સના જાહેરાત પ્લેટફોર્મ પર ન ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો. એ જ સમયે જૂન ૨૦૨૨માં કેન્દ્રએ બાળકોને લક્ષ્ય બનાવતી ભ્રામક જાહેરાતોને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી.જાહેરાત કરનારા ફિલ્મ કલાકારોની જવાબદારી ફિક્સ કરવાની વાત હતી. સરોગેટ જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાહેરાત એની સત્યતા સાબિત કર્યા વિના પ્રતિબંધિત કરવામાં આવી હતી. એનો હેતુ ભ્રામક જાહેરાતોને રોકવાનો છે.

મંત્રાલયે ઓક્ટોબર ૨૦૨૨માં કહ્યું હતું કે ઘણી ન્યૂઝ વેબસાઈટ માત્ર સટ્ટાબાજીના પ્લેટફોર્મ માલિકો દ્વારા જ ઓપરેટ કરવામાં આવી રહી છે. આ ન્યૂઝ વેબસાઈટ્સના લોગો કંઈક અંશે બેટિંગ પ્લેટફોર્મ જેવા જ દેખાય છે. સટ્ટાબાજીના પ્લેટફોર્મ આ સમાચાર વેબસાઇટ્સનો પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરીને પોતાનો પ્રચાર કરી રહ્યા છે.તપાસ કરતાં જાણવા મળ્યું કે આવી સટ્ટાબાજી અને ન્યૂઝ વેબસાઈટ કોઈ કાનૂની સત્તા સાથે રજિસ્ટર્ડ નથી. એ સ્પષ્ટ છે કે સટ્ટાબાજીના પ્લેટફોર્મ ન્યૂઝ વેબસાઈટની આડમાં ગેરકાયદે પ્રચાર કરી રહ્યા છે. સટ્ટાબાજી અને જુગાર ભારતમાં ગેરકાયદે છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ૨૦૧૯ હેઠળ, જો કોઈ વ્યક્તિ ભ્રામક જાહેરાત બતાવે છે, તો એને ગુનો ગણવામાં આવશે. સટ્ટાબાજીની જાહેરાતો પણ ભ્રામક હોય છે. આ કારણોસર સટ્ટાબાજી અને જુગાર માટેની જાહેરાતો કોઈપણ પ્લેટફોર્મ પર બતાવી શકાતી નથી.