સત્તાસંઘર્ષના સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં ચૂંટણી પંચ કોઈ નિર્ણય ન લે : ઉદ્વવ ઠાકરે

  • ૧૪ ફેબ્રુઆરીથી સુપ્રીમ કોર્ટમાં શિવસેના સંબંધી વિવિધ અરજીઓની રેગ્યુલર સુનાવણી શરૂ થવાની છે.

મુંબઈ,

શિવસેનામાં ચાલી રહેલા સત્તાસંઘર્ષનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે એટલે જ્યાં સુધી એકનાથ શિંદે સહિતના શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાનો ચુકાદો ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન બાબતે કોઈ નિર્ણય ન લેવો એવી વિનંતી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ચૂંટણી પંચને કરી હતી. આ સિવાય તેમણે શિવસેનાના પ્રમુખપદની ચૂંટણી કરવાની પરવાનગી આપવાની માગણી પણ તેમણે કરી હતી. આ સમયે ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે જૂથ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

શિવસેનાના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘છેલ્લા સાત મહિનાથી શિવસેનાનું શું થશે, શિવસેનાનું ધનુષબાણ કોને મળશે એ બાબતે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રીય ચૂંટણી પંચમાં મામલા ચાલી રહ્યા છે. ૧૪ ફેબ્રુઆરીથી સુપ્રીમ કોર્ટમાં શિવસેના સંબંધી વિવિધ અરજીઓની રેગ્યુલર સુનાવણી શરૂ થવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચમાં પક્ષ અને પક્ષના ચૂંટણીચિહ્ન સંબંધી સુનાવણી પૂરી થઈ ગઈ છે. અમે ચૂંટણી પંચ સમક્ષ તમામ પુરાવા રજૂ કર્યા છે અને લેખિતમાં જવાબ પણ નોંધાવ્યો છે. આથી આ મામલે અત્યારે કોઈ નિર્ણય લેતાં પહેલાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવામાં આવે.’

ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે સહિતના બળવો કરનારા શિવસેનાના વિધાનસભ્યો વિશે કહ્યું હતું કે ‘અમે બીજી શિવસેનાને માનતા નથી. અમારી સાથે જે લાખો શિવસૈનિકો છે તેઓ અસંમજસમાં મુકાઈ ગયા છે. લોકોના સમર્થનથી શિવસેના બની છે. બાળાસાહેબે શિવસેનાની સ્થાપના કરી હતી. જો સાંસદ અને વિધાનસભ્યોની સંખ્યાના આધારે પક્ષનો દાવો કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ પક્ષમાં ભંગાણ કરીને વડા પ્રધાન બની શકે છે. આને ગદ્દારી કહેવાય છે.’

ઉદ્ધવ ઠાકરેએ તેમનાથી જુદો મોરચો માંડનારા એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યોનો સુપ્રીમ કોર્ટમાં ફેંસલો ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચ પક્ષ સંબંધી કોઈ નિર્ણય ન લે એવી માગણી કરી છે. આ વિશે એકનાથ શિંદે જૂથની બાળાસાહેબાંચી શિવસેનાના સંસદસભ્ય રાહુલ શેવાળેએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ કાયદાના દૃષ્ટિકોણથી લોકોની દિશાભૂલ કરનારી અને શિવસૈનિકોમાં અસમંજસ પેદા કરનારી હતી. મહારાષ્ટ્રની જનતાની સહાનુભૂતિ મેળવવા માટેની હતી. અનિલ દેસાઈએ પક્ષની લોકશાહીની પ્રક્રિયા કહી સંભળાવી હતી. પક્ષપ્રમુખપદ બાબતે અમને કોઈ વાંધો નહોતો, પણ અન્ય પદો કેવી રીતે ભરાયાં? કયા શિવસૈનિકોએ મતદાન કર્યું? કયા હૉલમાં મતદાન થયું? ૨૦૧૩ અને ૨૦૧૮માં મતદાન કરાયું તો મુંબઈમાં ક્યારે મતદાન થયું? સુપ્રીમ કોર્ટના આદેશથી ચૂંટણી પંચે કાર્યવાહી શરૂ કરી હતી. આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે, પણ તેમને આની જાણ હોવા છતાં કહેતા નથી. ચૂંટણી પંચના નિર્ણય બાબતે કોઈ કોર્ટ હસ્તક્ષેપ ન કરી શકે. પક્ષપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય તો પુરાવા આપો.’

ઔરંગાબાદના મહાલગામના કાર્યક્રમમાં ગરબડ થયા બાદ આદિત્ય ઠાકરેની કાર પર પથ્થરમારો થયો હોવાનો દાવો વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ ગઈ કાલે કર્યો હતો. જોકે ઔરંગાબાદ ગ્રામીણ પોલીસે આ દાવાને ફગાવી દીધો હતો. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સુનીલ લાંજેવારે આ વિશે કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરેની કાર પર એક પણ પથ્થર ફેંકવામાં નહોતો આવ્યો. આદિત્ય ઠાકરેની સભા મહાલગાવમાં થઈ હતી. સભા બાદ તેમની કારનો કાફલો રવાના થયો હતો ત્યારે કેટલીક ગરબડ થઈ હતી, જેમાં એક પત્રકારને મામૂલી ઈજા થઈ હતી; પરંતુ કાર પર પથ્થરમારો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે એ ખોટો છે.’