સત્તાનો દુરુપયોગ કરી બોટાદ તાલુકા પંચાયતના તત્કાલીન નાયબ મદદનીશે લાખોની કરી ઉચાપત, ૪ વર્ષે કૌભાંડ ઉજાગર થતાં કરાયા સસ્પેન્ડ

ભાવનગર, બોટાદ તાલુકા પંચાયતના તત્કાલીન નાયબ મદદનીશને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામી છે. વર્ષ ૨૦૧૯-૨૦માં સત્તાનો દુરુપયોગ કરીને ૯.૨૪ લાખની ઉચાપત કરનાર તત્કાલીન નાયબ મદદનીશ સંજય મહેતાનો ઓડીટમાં સમગ્રકાંડ ઉઘાડો પડ્યા બાદ બોટાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

વિગતવાર વાત કરીએ તો હાલ બરવાળા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા સંજય મહેતા વર્ષ ૨૦૧૯-૨૦માં બોટાદ તાલુકા પંચાયત ખાતે નાયબ મદદનીશ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન સંજય મહેતાએ પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને ટીડીઓ (તાલુકા વિકાસ અધિકારી)ને ચેકબુકમાં અન્ય રદ થયેલો ચેક બતાવીને નવો હિસાબ રૂ. ૯,૨૪,૬૮૧નો ચેક લખ્યો હતો. જે બાદ કોઈને ભનક પણ ન પડે એવી રીતે પોતાની સહીથી પોતાના દીકરા અને અન્ય સંબંધીઓના ખાતામાં રૂપિયા જમા કરાવી નાણાની ઉચાપત કરી હતી.

જે બાદ તેઓની બરવાળા તાલુકા પંચાયતમાં બદલી થઈ ગઈ હતી. બદલી થયા બાદ તેઓને થયું કે તેમનો કાંડ ક્યારે ઉજાગર નહીં થાય. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બોટાદ તાલુકા પંચાયત કચેરી ખાતે લોકલ ફેડ ઓડીટની ટીમ ઓડીટ માટે પહોંચી હતી. આ દરમિયાન વર્ષ ૨૦૧૯-૨૦નું ઓડીટ થતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ઓડીટની ટીમ દ્વારા આ અંગેની જાણ તાત્કાલિક જિલ્લા વિકા અધિકારીને કરવામાં આવી હતી.

જે બાદ બોટાદ જિલ્લા વિકાસ અધિકારીએ દ્વારા અગાઉ બોટાદ તાલુકા પંચાયત ખાતે નાયબ મદદનીશ તરીકે ફરજ બજાવતા અને હાલ બરવાળા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા સંજય મહેતાને સસ્પેન્ડ કરી નાખ્યા હતા. જે બાદ તેઓએ નાણાની ઉચાપત મામલે તપાસ કરવા માટે ત્રણ અધિકારીઓની ટીમ બનાવી છે અને તેઓને ૭ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપી છે.