સટ્ટા માટે ટી ૨૦ વર્લ્ડકપની મેચોનું ગેરકાયદે સ્ટ્રીમિંગ કરતી ગેંગનો પર્દાફાશ, પાક.નાગરિકની સંડોવણી

યુએસએમાં રમાઇ રહેલી ટી-૨૦ વિશ્વ કપની મેચનું ગેરકાયદેસર સ્ટ્રીમીંગ લાઇવ સ્ટ્રીમીંગ કરીને સટ્ટા બેટિંગની વેબસાઇટ અને અન્ય સાઇટ પર અપલોડ કરવાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ અમમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે આ ગેંગ સાથે સંકળાયેલા યુવકને ઉંઝાથી ઝડપી લીધો હતો. જ્યારે નાણાં ની લેવડ દેવડ માટે ઉપયોગમાં લેવામાં આવતા બોગસ બેંક એકાઉન્ટ બનાવનાર યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પાકિસ્તાનથી ગેરકાયદેસર લાઇવ સ્ટ્રીમીંગની લીંક અને કોડ પાકિસ્તાનમાં રહેતા અઝહર નામના વ્યક્તિ પાસેથી લેવામાં આવતું હતું અને કેનેડામાં રહેતા ગુજરાતી યુવક દ્વારા તેને નાણાં ચુકવવામાં આવતા હતા.

આમ, સટ્ટા બેટિંગ સાઇટ પર ગેરકાયદેસર લાઇવ સ્ટ્રીમીંગનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેના આધારે પોલીસે વિવિધ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં મહારાષ્ટ્રમાં રહેતા નિલેશ સાંવતે ફરિયાદ નોંધાવી હતી કે સ્ટાર ઇન્ડિયાની સ્પોર્ટસ ચેનલ પર પ્રસારિત થતા ક્રિકેટ અને અન્ય રમતના વિડીયો અને લાઇવ સ્ટ્રીમીંગ મેજીક વિન નામના સટ્ટા બેટિંગની વેબસાઇટ તેમજ અન્ય સાઇટ પર કરવામાં આવે છે. જેના આધારે સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ સર્વલન્સ કરીને સર્વર અંગે તપાસ કરવામાં આવી હતી.

જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો અને આ સર્વર ઉંઝાથી સ્ટ્રીમીંગ કરવામાં આવે છે. જેના આધારે ઉંઝા ખાતે દરોડો પાડીને દિવ્યાશું પટેલ નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ત્રણ સીપીયુ, મોનીટર, રાઉટર, વિદેશની બેંકના ડેબિટ કાર્ડ, મોબાઇલ ફોન મળી આવ્યા હતા. દિવ્યાશુંની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે આઇટી એન્જીનીયરીંગનો કોર્ષ મહેસાણામાં કર્યો હતો.સાથેસાથે વેબ ડેેવેલોપરનુ કામ પણ શીખ્યો હતો. જેથી તે કેનેડામાં રહેતા તેના મિત્ર શુભમ પટેલને અલગ અલગ વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમીંગ કરી આપવા માટે પ્રોગ્રામ આપતો હતો.

જો કે વર્ષ ૨૦૨૦માં તેણે શુભમના કહેવાથી બે ડોમેન ખરીદી કર્યા હતા. જેના પર તે શુભમના કહેવા મુજબ અલગ વેબસાઇટ પરથી ગેરકાયદેસર સ્ટ્રીમીંગ વિડીયો લઇને સર્વરમાં અપલોડ કરતો હતો. જેમાં તે મેજીકવીન નામની સટ્ટા બેટિંગની સાઇટ અને અન્ય ગેરકાયદેસર સાઇટ પર સ્ટ્રીંમીંગ કરતો હતો. જેના બદલામાં કેનેડાથી શુભમ તેને નાણાં મોકલતો હતો. આ અંગે વધુ માહિતી આપતા સાયબર ક્રાઇમના એસીપી હાદક માકડિયાએ જણાવ્યું કે દિવ્યાશુંની પુછપરછમાં ઉંઝામાં રહેતા હર્ષ પટેલનું નામ પણ સામે આવ્યું છે.

દિવ્યાશું અને શુભમ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતા અઝહર અમીનના ડીશ ટીવીના વેપારીના સંપર્કમાં હતા. અઝહર તેમને ગેરકાયદેસર લાઇવ લીંકના કોડ આપતો હતો. જેના આધારે દિવ્યાશું સર્વર પર કોન્ટેન્ટ અપલોડ કરતો હતો. આ માટે શુભમ કેનેડાથી અઝહરને નાણાં પુરા પાડતો હતો. જ્યારે શુભમ ગેરકાયદેસર સ્ટ્રીમીંગ માટે વિવિધ ક્લાઇન્ટ શોધીને ડીલ કરતો હતો. આ ઉપરાંત, પોલીસને ગેરકાયદેસર એકાઉન્ટમાં જમા કરવામાં આવતા નાણાંની વિગતો મળી આવી હતી. જે બેંક એકાઉન્ટ ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી આકાશગીરી ગોસ્વામી (રહે. વાસણા) દ્વારા પુરા પાડવામાં આવ્યા હતા. આમ, સટ્ટા બેટિંગની સાઇટ પર ગેરકાયદેસર સ્ટ્રીમીંગ કરતી ગેંગન

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અઝહર અમીન અને શુભમ પટેલની મુલાકાત દુબઇમાં થઇ હતી. અઝહર અમીન ડીસ ટીવીનું કામ કરતો હોવાની સાથે તેના ટેકનીકલ કનેકશન હોવાથી તેણે વિવિધ મેચોની લાઇવ સ્ટ્રીમીંગ આપવાની ખાતરી આપી હતી.જ્યારે શુભમ પાસે દુબઇમાં સટ્ટા બેટિંગનું કામ કરતા અનેક ક્લાઇન્ટ હોવાથી તેણે ડીલ નક્કી કરી હતી. તે પછી ટેકનીકલ બેકઅપ માટે દિવ્યાશુંની મદદ લીધી હતી. આમ, તે સુવ્યવસ્થિત રીતે સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. આ કેસમાં પોલીસે અન્ય આરોપીઓની તપાસ શરૂ કરી છે. પરંતુ, અઝહર પાકિસ્તાનમાં હોવાથી તેની કામગીરી રોકવી અશક્ય બની છે.

ઉંઝામાં દિવ્યાશું સાથે કામ કરતો હર્ષ પટેલ શુભમ માટે કામ કરતો હતો. જેમાં તે પાકિસ્તાનના અઝહર અમીન સાથે વોટ્સએપથી સંપર્કમાં રહેતો હતો. નાણાંકીય વ્યવહારની કામગીરી પણ હર્ષ પટેલ કરતો હતો. જો કે પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા કેટલાંક પુરાવાનો નાશ કરીને ફરાર થઇ ગયો હતો. જેથી તેને શોધવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવવાની સાથે તેના વિરૂદ્વ એલઓસી જાહેર કરી છે. પરંતુ, તે નોટીસ ઇસ્યુ થાય તે પહેલા જ દુબઇ નાસી ગયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.