સાઠંબામાં ૪ વર્ષની માસુમ પર ૬૮ વર્ષના ફુવાએ દુષ્કર્મ આચર્યુ, બાળકીની સ્થિતિ ગંભીર

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. બાળકીના 68 વર્ષીય ફુવાએ જ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સાઠંબા પોલીસે આરોપી વૃદ્ધ ફુવા સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. બાળકીને ઈજા પહોંચી હોવાને લઈ તેને બાયડ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઈજાઓ ગંભીર જણાતા બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

સાઠંબા વિસ્તારથી નજીકમાં આવેલ મહિસાગર જિલ્લાની હદમાં રહેતા ફુવા બાળકી ઘરે આવ્યા હતા. જ્યાં આ ઘટના ઘટી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે અને બાળકીના ફુવાને ઝડપી લઈને કાર્યવાહી શરુ છે.

DySP ચિંતન પટેલે મીડિયાને બતાવ્યુ હતુ કે, ચાર વર્ષીય બાળકી રાત્રીના સમયે ઘરે હતી ત્યારે તેના ફુવાએ તેને ઘરની નજીક લોકોથી દૂર લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતુ. ચાર વર્ષની બાળકીને રાત્રી દરમિયાન દુષ્કર્મ આચર્યા બાદ બીજા દિવસે બાળકીને દુઃખાવો ઉપડતા મામલો સામે આવ્યો હતો. બાળકીએ તેના પરિવારજનોને દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેને લઈ તેના દુઃખાવાની સ્થિતિ જાણતા જ તેના પરિવારજનો પર ચિંતા છવાઈ ગઈ હતી.

બીજે દિવસે બાળકીને દુઃખાવાની ફરિયાદ થતા સ્થાનિક સારવાર લેવામાં આવી હતી અને જેમાં બાળકી સાથે દુષ્કર્મ આચરાયુ હોવાનુ સામે આવ્યુ હતુ. બાળકીએ તેના ફુવા દ્વારા કરવામાં આવેલી હરકત પરિવારજનોને કહેતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાને પગલે મોડી રાત્રે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

માસુમ બાળકી પર ફુવાએ ગુજારેલા દુષ્કર્મને લઈ ગુપ્તાંગો પર ગંભીર ઈજાઓ પહોંચી છે. જેને લઈ બાળકીને સ્થાનિક બાયડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન બાળકીની સ્થિતિ નાજૂક હોવાને લઈ તેને મોડી રાત્રી દરમિયાન હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ સુત્રો મુજબ હાલમાં બાળકીની સ્થિતિ સ્થિર છે અને ડોક્ટરોની ટીમ દ્વારા તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે.