
- ભાજપ બહુમતીમાં હોવાના કારણે માત્ર મેન્ડેટ આધારીત પસંદગી કરવામા આવશે.
- બુધવારની સાંજ સુધી પદાધિકારીના નામ ધરાવતું બંધ કવર જીલ્લા ભાજપને સુપ્રત કરાશે.
- દાવેદારો તથા ધારાસભ્યોના લોબિંગ બાદ તૈયાર કરવામાં આવેલી પેનલમાંથી એક ચહેરાનની પસંદગી.
- કોનું નસીબ જાગશે તે બંધ કવરમાં સસ્પેન્સ ભર્યું બન્યું.
ગોધરા,
હવે આગામી તા.૧૮ માર્ચના રોજ પંચમહાલમાં જીલ્લા પંચાયત અને ૭ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયાની સત્તાવાર ચુંટણી કાર્યક્રમ જાહેર થતાં પુન: રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. દરેક સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપ બહુમતીમાં હોવાના કારણે માત્ર મેન્ડેટ આધારીત પસંદગી કરવામા આવનાર હોવાથી કાર્યવાહી માત્ર એક ઔપચારિક બની રહેનાર છે. ગાંધીનગર મોવડી મંડળ દ્વારા ૪ થી વધુ દાવેદારો તથા ધારાસભ્યોના લોબિંગ બાદ તૈયાર કરવામાં આવેલી પેનલમાંથી એક ચહેરાને પસંદ કરી દેવામાં આવીને બુધવારની સાંજ સુધી બંધ કવર જીલ્લા ભાજપને સુપ્રત કરવામાં આવનાર છે. જોકે, કોનું નસીબ જાગશે તે બંધ કવરમાં સસ્પેન્સ ભર્યું બન્યું છે.
ગત દિવસોમાં પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી સંપન્ન થયા બાદ પ્રમુખપદ માટેના નામોની અનેક ચર્ચાઓ લોકોમાં ચાલી રહી હતી. લોકો દ્વારા હારેલા તથા વિજેતા ઉમેદવારોના મત ગણતરી બાબતે અનેક મુદ્દાઓના લેખાજોગા કરી રહ્યા હતા. પરંતુ ગોધરા અને શહેરા નગર પાલિકામાં વરણી પ્રક્રિયાની ચુંટણી કાર્યક્રમ જાહેર થયો હતો. પરંતુ જીલ્લા પંચાયત અને ૭ તાલુકા પંચાયતોમાં કાર્યક્રમ જાહેર ન થતાં લોકોમાં અવઢવ પ્રવર્તી હતી. છેવટે ગોધરા, હાલોલ, કાલોલ, મોરવા(હ), શહેરા,જાંબુધોડા અને ઘોઘંબા તાલુકા અને જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટે આગામી તા.૧૮ માર્ચના રોજ જે તે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં મળનાર છે અને ચુંટણી પંચના રોેટેશન આધારે અનામત કે બિનઅનામત બેઠકોના પ્રકાર ફાળવવામાં આવીને સ્થાનિક ચુંટણી અધિકારી દ્વારા વેતરાણી પાર પાડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ બહુમતી ધરાવતી ભાજપા પક્ષે પણ બે-ત્રણ દિવસની લાંબી મેરથોન ચર્ચાઓ અને બેઠકો યોજીને પેનલ બનાવવાની મથામણ કરવામાં આવી હતી. જોકે, ગોધરા પાલિકામાં ભાજપને મિશ્ર જર્નાદેશ હોવાના કારણે પસંદગી અગ્નિપરીક્ષારૂપ છે. પરંતુ તાલુકા અને જીલ્લા પંચાયતમાં માત્ર મેન્ડેટ આધારે પસંદગી થવાની હોય પક્ષ માટે કોઈ માથાનો દુ:ખાવો નથી. જાણવા મળ્યા અનુસાર સ્પષ્ટ બહુમતી હોવાના કારણે પંચાયતોમાં પ્રમુખપદ અને ઉપપ્રમુખપદ કોને ધુરા સોંપવી તે બાબતે અગાઉ જીલ્લા ભાજપા તરફ થી ગુપ્ત બેઠક હાથ ધરીને જુદા જુદા જુથો તથા દાવેદારો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ૪ થી ૫ જેટલા દાવેદારો એ પદની માંગણી મૂકી હતી. એટલું જ નહીં સત્તા મેળવવા માટે પોતાના રાજકીય ગોડફાધરનું શરણ લઈને ખાસ લોબીંગ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ધારાસભ્યો દ્વારા પણ પોતાના માણીતા ચહેરાઓને પદ મળે તે માટે છેક ગાંધીનગર કમલમ ખાતે પોતાની વગનો ઉપયોગ કરીને ભલામણ કરવામાં આવી હતી. આ જોતાં એક બેઠક માટે અનેક દાવેદારોને લઈને મોવડી મંડળ પણ મુંઝવણમાં મુકાઈને સર્વસંમતિ સધાઈ ન હતી. છેવટે જીલ્લા પ્રભારી દ્વારા વિવિધ તાલુકાઓ માટે તૈયાર કરવામાં આવેલ સંભવીત દાવેદારોની પેનલ અંગે અને દાવેદારોની કાબિલીયતની પરામર્શ કરીને છેવટે આખરી નામ પસંદ કરવામાં આવ્યું હતું. ચર્ચાને અંતે સર્વસંમતિથી મ્હોર મારવામાંં આવતાં બુધવારની સાંજ સુધી પ્રભારીઓને તેઓના નામ બંધ કવરમાં સુપ્રત કરી દેવામાં આવનાર છે. અને આ બંધ કવર આગામી ૧૮ ના રોજ યોજાનાર વરણી પ્રક્રિયા પૂર્વે ચુંટણી અધિકારીને સુપ્રત કરી દેવામાં આવશે. અને નામાંકન દાખલ કરીને મેન્ડેટ આધારે પદની લ્હાણી કરવામાં આવનાર છે. ત્યારે બંધ કવરમાં છુપાયેલું રહસ્ય છતું થનાર છે. પરંતુ હાલમાં અનેક નામો પ્રજાની ચકડોળે ચડયા છે. જોકે, બહુમતી હોવાના કારણે કોઈપણ જાતના વાદવિવાદ વિના સરળતાથી વરણી પ્રક્રિયા સંપન્ન થનાર છે. હવે જોવું રહયું કે, ગુરૂવારે કોનું નસીબ જાગે છે.