ઝાલોદ,ઝાલોદના રાષ્ટ્રપ્રેમી રક્તદાતાનો ગઢ છે, તે માટે નગરનાં સહુ કોઈએ ગૌરવ લેવા જેવી બાબત છે કે દેવભાઈ પિઠાયા જેવા રક્તદાતા સતત જરૂર પડ્યે ગમે ત્યારે રક્તદાન કરવા તત્પર રહે છે. દેવભાઈએ સતત છઠ્ઠી વાર રક્તદાન કરી રક્તદાન મહાદાનના મંત્રને સાકાર કર્યો છે અને જે તે વ્યક્તિઓના જીવનને સારૂ આરોગ્ય મેળવવા મદદ કરી છે. આજરોજ ઝાલોદ તાલુકાના કદવાળ ગામના એક વર્ષના શિશુ દર્દીમાં રક્તની ઉણપ જણાતાં હોસ્પિટલના ડોક્ટરોએ તાત્કાલિક ખુનની કમી પુરી કરવા જણાવેલ જે અંગેની જાણ ઝાલોદના રક્તદાતા ટીમને થતા એ પોઝીટીવ રક્તદાન માટે દેવભાઈ પિઠાયાએ પ્રત્યક્ષ દર્દીમાટે રક્તદાન કરી માનવતાને મહેકાવી છે. તેઓ વર્ષ 2022-23 ના સમય ગાળામાં અને એ પહેલા પણ પાંચવાર રક્તદાન કરી ચુક્યા છે. આ છઠ્ઠી વખત છે જે સૌ માટે પ્રેરક છે. હાલમાં જ તેઓ પોતાના પરિવારના એક આત્મિય સદસ્યના સ્વર્ગવાસના કારણે શોકમગ્ન સ્થિતિ માંથી હજી તો માંડ બહાર આવવવાની કોશિષ કરી રહ્યા છે. તેવા સમયે પણ સમાજ માટે તન, મન, ધનથી સેવાનો સમર્પિત ભાવ રાખી રહ્યા છે. ત્યારે દેવભાઈ પિઠાયાનો શિશુના પરિજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.