સતત બે વર્ષથી રાજ્યમાં સૌથી નીચાં પરિણામ પાછળ જવાબદાર કોણ? જીલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું-“અમારી ખામીઓ શોધવાનો પ્રયાસ કરીશું”.

દાહોદ,દાહોદ જીલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સતત બીજા વર્ષે રાજ્યમાં સૌથી નીચું આવ્યું છે. એમાંયે ખાતર પર દિવેલની માફક આ વખતે ગત વર્ષ કરતાં પણ 10.75 ટકાનો ઘટાડો થતાં શિક્ષણ આલમમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે દાહોદ જીલ્લા શિક્ષણ અધિકારી અને દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ગોપાલભાઈ ધાનકા સાથે વાતચીત કરીને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં ઘણાં ચોંકાવનારાં કારણો પણ સામે આવ્યાં છે.

આ વખતે શહેરી વિસ્તારની કેટલીક શાળાઓમાં પણ ટકાવારી ઘટી દાહોદ જીલ્લામાં 31 શાળામાં વિજ્ઞાન પ્રવાહ ચાલે છે. એમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોની શાળાઓનો સમાવેશ થાય છે. ત્યારે આ વખતે ગ્રામ્ય તો ઠીક, પરંતુ શહેરી વિસ્તારની જે શાળાઓના આંકડા જાણવા મળ્યા છે. એમાં કેટલીક શાળાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં દાહોદ શહેરમાં સારો ગ્રાફ જોવા મળ્યો છે. બીજી તરફ, સરકારી શાળાઓ કે ગ્રાન્ટેડ શાળાઓમાં પણ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ છેલ્લાં બે વર્ષથી કાઠું કાઢી શક્તા ન હોવાથી ચિંતાનો વિષય ઊભો થયો છે. સંપન્ન અને સક્ષમ વિદ્યાર્થીઓ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની વાટ પકડે છે

દાહોદ જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહની જેટલી શાળાઓ છે એમાં સંપન્ન તેમજ મધ્યમવર્ગ ઉપરાંત ગરીબ પરિવારોનાં બાળકો પણ અભ્યાસ કરે છે. કેટલીક વખત શાળાઓમાં સંખ્યા ઘટી ન જાય એ માટે પણ વિદ્યાર્થીઓને માગ્યા પ્રમાણે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપી દેવામાં આવે છે. ત્યારે એક કારણ એવું પણ જાણવા મળ્યું છે કે જે સંપન્ન અથવા તો ઉચ્ચ મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ છે, તે ઊંચી ફી આપીને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટસમાં અભ્યાસ કરવા જતા રહે છે. કારણ કે મુખ્યત્વે વાલીઓએ તેમને ડોક્ટર કે ઇજનેર બનાવવા માટે જ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અપાવ્યો હોય છે. જેથી નગરો મહાનગરોની શાળાઓ અને કોચિંગ સંસ્થાઓના ગઢબંધનમાં આવા વિદ્યાર્થીઓ દાહોદ જીલ્લામાંથી બહાર જતા રહે છે. આવા બધા જ વિદ્યાર્થીઓ દાહોદ જીલ્લો છોડી દેતા હોય છે એમ માનવાને કારણ નથી, પણ એ વર્ગ મોટો છે એ સનાતન સત્ય છે. કારણ કે શિક્ષકવિદોનો આ સામાન્ય મત છે.

વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષકો જ પૂરતા નથી. પ્રવાસી શિક્ષકો ગંભીર ન હોવાનો પણ મત દાહોદ જીલ્લામાં 31 જેટલી શાળાઓ વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ આપે છે, પરંતુ એવી શાળાઓમાં પૂર્ણકાલીન શિક્ષકો કેટલા છે એ પણ સંશોધનનો વિષય છે. કારણ કે તજજ્ઞો જણાવે છે કે શાળાઓમાં પૂરતુ મહેકમ નથી અર્થાત વિજ્ઞાન પ્રવાહના પૂરતા શિક્ષકો નથી. જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી માંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, જીલ્લામાં 11 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના 51 શિક્ષક છે. જ્યારે સરકારી 8 શાળામાં માત્ર 10 શિક્ષકની ભરતી થયેલી છે. જેથી ઘણી જગ્યાઓ ખાલી છે. જોકે ખાલી જગ્યાની પૂરતી માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ

જે શાળાઓમાં શિક્ષકો હોતા નથી એ તમામ શાળાઓમાં એ માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળા હોય, એમાં પ્રવાસી શિક્ષકો ફરજ બજાવવા જાય છે અને તેમના દ્વારા શિક્ષણનું ગાડુ ગબડાવવામાં આવે છે. ત્યારે કેટલાક પ્રવાસી શિક્ષકો ગંભીરતાથી કામગીરી કરતા ન હોવાની પણ ફરિયાદો ઊઠી છે, કારણ કે તે શિક્ષકને કામ એટલું નક્કી કરેલું જ વેતન મળવાનું છે, ત્યારે આ પણ એક ગંભીર અને તપાસનો વિષય છે. બીજી તરફ એ પણ હકીકત છેકે પ્રવાસી શિક્ષકોને મહિનાઓ સુધી મહેનતાણું ચૂકવાતું નથી. ત્યારે શિક્ષણ મામલે એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયેલો હોવાનું જણાઈ રહ્યું છે. જીલ્લામાં શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓ જ ખાલી છે

દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે અને એમાં શિક્ષણ મામલે ઘણા પ્રશ્ર્નો ઊભા છે. બીજી તરફ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી હોવાનો સૂર ઊઠી રહ્યો છે. ત્યારે ખાટલે મોટી ખોડ એ છેકે, આ જીલ્લામાં કાયમી જીલ્લા શિક્ષણાધિકારી નથી. તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા પણ વર્ષોથી ખાલી છે. આ પહેલાં બે વર્ષ કરતાં વધુ રહેલા જીલ્લા શિક્ષણાધિકારી સામે ઢગલા બંધ ફરિયાદો રાજ્યકક્ષા સુધી કરવામાં આવી હતી અને આખીએ કચેરી ભ્રષ્ટાચારના ભોરિંગની નાગચૂડમાં ફસાયેલી હતી. એમ છતાં જાણે આ જીલ્લો આંગળિયાત હોય એમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને છેવટે તે જીલ્લા શિક્ષણાધિકારી જ્યારેને ત્યારે લાંચ લેતા ઝડપાયા. ત્યારે આ જીલ્લાને તેમનાથી છુટકારો મળ્યો છે. 2024માં દાહોદ જીલ્લાનાં પરિણામ ખૂબ જ સારાં હશે :- દાહોદ જીલ્લા શિક્ષણ અધિકારી

આ અંગે દાહોદ જીલ્લા શિક્ષણ અધિકારી મયૂર પારેખ જણાવે છે કે

ગુજરાતમાં સૌથી નબળું પરિણામ અમારા જીલ્લાનું આવ્યું છે. 29.44 ટકા જેટલું પરિણામ દાહોદ જીલ્લામાં આવ્યું છે. આગામી દિવસોમાં ચોક્કસપણે અમે આ પરિણામ સુધરે એવા પ્રયત્નો કરીશું. એ માટે અમે અમારી 31 વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે, એ સાથે સાથે સામાન્ય પ્રવાહની શાળાઓ અને ધોરણ-10ની માધ્યમિક શાળાઓએ તે લોકોને આગામી દિવસોમાં દરેકેદરેક વિષય શિક્ષણ અને 33 માર્ક કઇ રીતે મેળવી શકાય એ માટેનું મોડ્યૂલ તૈયાર કરી સૂચના આપી દીધી છે. જૂન મહિનાના પ્રથમ દિવસથી જ અમે આ પ્રોજેક્ટ ચલાવીશું અને ચોક્કથી હું ખાતરી આપું છું કે માર્ચ 2024માં દાહોદ જીલ્લાનાં પરિણામ ખૂબ જ સારાં હશે.

સરકારી શાળાઓમાં વિજ્ઞાન વિષયના શિક્ષકોની ઘટ: શાળા સંચાલક મંડળના અધ્યક્ષ

દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ગોપાલભાઈ ધાનકાએ જણાવ્યું હતું કે, દાહોદ જીલ્લામાં છેલ્લાં બે વર્ષથી ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહનાં પરિણામો નબળાં આવે છે, એ ગંભીર અને દુ:ખદ બાબત છે. દાહોદ જીલ્લો ટ્રાવેલ વિસ્તારથી આવે છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ આદિવાસીઓ છે. જે વાલી સંપન્ન હોય છે તેઓ પોતાનાં બાળકોને કોચિંગ સંસ્થાઓમાં મોકલી આપે છે, પછી જે વિદ્યાર્થીઓ આવે છે તે મધ્યમવર્ગ અને ગરીબ હોય છે. જેમના વાલીઓ પોતાનું બાળક શું ભણે છે એની દરકાર કરતા નથી. આ ઉપરાંત સરકારી શાળાઓમાં વિજ્ઞાન વિષયના શિક્ષકો અપૂરતા છે, જેની અસર પરિણામ પર પડે છે. જે પ્રવાસી શિક્ષકો છે એ ગંભીરતાપૂર્વક કામ કરતા નથી. જેની પણ અસર વિદ્યાર્થીઓનાં પરિણામ પર પડે છે.