દુબઈ , આઈપીએલની ૧૩મી સીઝનમાં જીતથી શરૂઆત કરનારી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે . શુક્રવારે દિલ્હી કેપિટલ્સે ચેન્નઈને ૪૪ રનથી હરાવ્યું . કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સતત બીજી મેચમાં બેટ્સમેનોની નિષ્ફળતાથી નિરાશ જોવા મળ્યો . ધોનીએ કહ્યું કે , સાત દિવસના આરામથી તેમને કમીઓની જાણકારી મેળવવામાં મદદ મળશે . ચેન્નઈની આગામી મેચ ૨જી ઓક્ટોબરે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે . ધોનીએ કહ્યું કે , મને નથી લાગતું કે આ અમારા માટે સારી મેચ હતી . જાકળ નહોતું , પરંતુ વિકેટ થોડી ધીમી થઈ ગઈ હતી અને અમારા બેટિંગ ડિપાર્ટમેન્ટમાં થોડી કમી લાગી અને આ હેરાન કરનારું છે . ધીમી શરૂઆતના કારણે રન રેટ વધારવાનું પ્રેશર બનતું ગયું . અમારે તેનું સમાધાન કાઢવું પડશે . ધોનીએ વધુમાં જણાવ્યું , અમને આગામી સાત દિવસ સુધી આરામની તક મળશે અને અમારા સ્પષ્ટ તસવીર સાથે કમબેક કરવું પડશે .
રાયડુના આગામી મેચમાં કમબેક થવાથી ટીમનું સંતુલન સારું હશે . ધોની પોતાના બોલર્સના પ્રદર્શનથી પણ ખુશ નહોતો દેખાયો . કેપ્ટન કૂલ કહે છે , જો તમે બોલિંગ વિભાગ પર નજર કરો તો તેમાં નિરંતરતાનો અભાવ દેખાય છે . રાયડુએ આગામી મેચ રમવી જોઈએ અને ત્યારે જ અમે વધારાને બોલર સાથે ઉતરવા પર વિચાર કરી શકીએ છીએ . દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને ૪૪ રનથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની બીજી જીત મેળવી હતી . દિલ્હીએ પહેલા બેટિંગ માટે આમંત્રણ અપાયા બાદ ત્રણ વિકેટ પર ૨૦ ઓવરમાં ૧૭૫ રન બનાવ્યા હતા . જેના જવાબમાં ચેન્નઈ ૭ વિકેટ પર ૧૩૧ રન જ બનાવી શકી . આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સની મેચ રાજસ્થાન રોયલ્સ સાથે રમાઈ હતી . જેમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો .
રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરમાં ૨૧૬ રન બનાવ્યા હતા . જેના જવાબમાં ચેન્નઈ ૨૦ ઓવરમાં માત્ર ૨૦૦ રન જ બનાવી શકી હતી . આ મેચમાં પણ ધોની બેટિંગ માટે ખૂબ નીચેના ક્રમે આવતા ફેન્સ નારાજ થયા હતા . ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી મેચમાં સીએસકેની ટીમે કઈ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે .