પંચમહાલ,
કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આકરા પાણીએ જોવા મળ્યાં છે. અધિકારી બાદ હવે સસ્તા અનાજના દુકાનદારોને ચીમકી આપી છે. કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ બીજા વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય ધુંઆપુઆ થયા હતા. તેઓએ સસ્તા અનાજની દુકાન ચલાવતા ઠેકેદારોને ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે સૂચના આપી છે.
ગુજરાતમાં રેકોર્ડબ્રેક જીત બાદ હવે ભાજપના ધારાસભ્યો પણ આકરા પાણીએ બની રહ્યાં છે. દરેક પોતાના મતવિસ્તારમાં કામ કરવા લાગ્યા હોય તેમ જાહેરમાં દેખાઈ રહ્યા છે. હજુ ફરી મંત્રીમંડળના વિસ્તરણની નેતાઓ રાહ જોઈને બેઠા છે. આજે કાલોલના ધારાસભ્યને એકાએક શું થયું કે તેઓએ મામલતદારને જાહેરમાં લઈ લીધા હતા. હાજર લોકો પણ ધારાસભ્યના આ રૂપને જોઈને અવાક થઈ ગયા હતા. ધારાસભ્યએ અધિકારી બાદ સસ્તા અનાજના દુકાનદારોને પણ ચીમકી આપી દીધી હતી.
કાલોલમાં સરકારી સસ્તા અનાજના દુકાનદારોએ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સત્કાર સમારંભ યોજ્યો હતો. જે દરમિયાન કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ બીજો વ્યક્તિ વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય ધુંઆપુઆ થયા હતા. ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે દુકાનદારોને સૂચના આપી હતી. ખોટું કરતા દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની ફતેસિંહ ચૌહાણની ચીમકીથી હાજર દુકાનદારોમાં તો કેટલાક સ્તબદ્ધ બની ગયા હતા. કારણ કે અનાજના દુકાનદારોએ તો તેમને સન્માન માટે બોલાવ્યા હતા પણ કેટલાકનો વારો પડી ગયો હતો.