નવીદિલ્હી, આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના સસ્પેન્શન કેસમાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો છે. સુપ્રીમ કોર્ટે રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને મળવા અને બિનશરતી માફી માંગવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે અધ્યક્ષ સહાનુભૂતિપૂર્વક વિચાર કરશે અને મામલાને આગળ વધારશે. કેસની આગામી સુનાવણી ૨૦ નવેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટે દિવાળીની રજાઓ પછી આપ સાંસદની અરજી પર સુનાવણી સુનિશ્ચિત કરી છે અને એટર્ની જનરલને કેસમાં આગળના વિકાસ વિશે માહિતી આપવા જણાવ્યું છે.કેસની સુનાવણી દરમિયાન સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે કહ્યું, એ યાનમાં રાખવું જોઈએ કે રાઘવ ચઢ્ઢા યુવા અને પ્રથમ વખત સાંસદ છે. તેઓ બિનશરતી માફી માંગશે. આવી સ્થિતિમાં, આ મુદ્દો બંધ કરવો જોઈએ.
રાજ્યસભાના સસ્પેન્ડેડ સાંસદ રાઘવ ચઢ્ઢા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. છેલ્લી સુનાવણીમાં, સીજેઆઇએ એટર્ની જનરલને પૂછ્યું હતું કે શું આવા અનિશ્ચિત સસ્પેન્શનથી તે લોકો પર અસર થશે કે જેમના મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવામાં આવતું નથી. વિશેષાધિકાર સમિતિને સભ્યને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરવાની સત્તા ક્યાં છે? શું આ વિશેષાધિકારનો ભંગ છે?
૧૧ ઓગસ્ટે રાજ્યસભામાં ઉપલા ગૃહના નેતા પીયૂષ ગોયલે આપ નેતા રાઘવ ચઢ્ઢાને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે સ્વીકારી લીધો હતો. ચઢ્ઢા પર આરોપ છે કે તેમણે દિલ્હી કેપિટલ ટેરિટરી (સુધારા) બિલ, ૨૦૨૩ને ગૃહની પસંદગી સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેમની સંમતિ લીધા વિના પ્રસ્તાવિત સમિતિ માટે ગૃહના કેટલાક સભ્યોનું નામ આપ્યું હતું.