સાસણ ગીર પંથકમાં જમીનમાં માત્ર ૪થી ૬ કિ.મી.ની ઉંડાઈએ ધરતીમાં સતત હલચલ થઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં તાલાલા ગીરથી ૧૧થી ૧૫ કિ.મી.ની ઉત્તર દિશાએ સાસણ ગીર પંથકમાં જમીનમાં માત્ર ૪થી ૬ કિ.મી.ની ઉંડાઈએ ધરતીમાં સતત હલચલ થઈ રહી છે. આજે વધુ ઉપરાઉપરી ૩ આંચકા આ જ વિસ્તારમાં નોંધાયા હતા જેના પગલે લોકોમાં ભય અને ચિંતા સર્જાઈ હતી.

તાલાલાથી એક જ દિશામાં સાસણ ગીર વિસ્તારમાં જમીનની સરેરાશ ૫ કિ.મી.ની ઉંડાઈએ કોઈ મોટી ફોલ્ટલાઈન કે ફોલ્ટ સક્રિય થયા હોય તેવું અનુમાન છે.

બે વર્ષ પહેલા તા.૨-૫-૨૦૨૨ના આ જ વિસ્તારમાં માત્ર ૪.૫ કિ.મી. ઉંડાઈએ ૪.૦ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. ત્યારબાદ તાજેતરમાં ગત તા. ૧૬-૫-૨૦૨૪ના આ જ વિસ્તારમાં ૬.૯ કિ.મી. ઉંડાઈએ ૩.૨નો ભૂકંપ નોંધાયો છેઆજે તાલાલાથી વિશેષ અહેવાલ મૂજબ ૧૪ કિ.મી.ના અંતરે એ જ વિસ્તારમાં સવારે ૪.૩૨ ના ૧.૨, ૫.૨૩ના ૧.૫ અને બપોરે ૨.૩૩ વાગ્યે ૨.૧ની તીવ્રતાના ઉપરીઉપરી ત્રણ હળવા ભૂકંપ નોંધાયા હતા જેનાથી ગ્રામ્ય લોકોમાં ભયની લાગણી સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં આ પહેલા અમરેલીના મિતીયાળા પંથકમાં અને ત્યારબાદ રાજકોટ-શાપર વેરાવળ પંથકમાં ઉપરાઉપરી ભૂકંપોનો સિલસિલો શરૂ થયો હતો. વૈજ્ઞાાનિકો તેનું ચોક્કસ કારણ શોધી શક્યા નથી પરંતુ, આ ભૂકંપો જમીનની ઉપરી સપાટીએ આવતા હોય અને ધરતીના ઉપરી પોપડામાં કોઈ ફ્રેક્ચર કે ફોલ્ટ સર્જાયો હોય તેના કારણે આવતા હોવાનું અને વિનાશક ભૂકંપની શક્યતા નહીવત્ હોવાનું તારણ નીકળ્યું હતું.