સાર્વજનિક જગ્યાઓ પર પશુઓના વધની પરવાનગી નથી.સ્વચ્છતા માટે જરૂરી: બોમ્બે હાઈકોર્ટનો નિર્દેશ

મુંબઇ, મુંબઈ હાઈકોર્ટે કોલ્હાપુરમાં વિશાલગઢ કિલ્લાના સંરક્ષિત ક્ષેત્રમાં પશુ બલિની જૂની પ્રથા પર તાજેતરમાં લાગેલા પ્રતિબંધોને પડકારતી અરજી પર સુનાવણી કરતા ગરુવારે કહ્યું કે તે ક્યાંય પણ પશુઓના વધની પરવાનગી આપશે નહીં કારણ કે સ્વચ્છતા જાળવી રાખવી જરૂરી છે. કોર્ટે આ અંગે મહારાષ્ટ્ર સરકારને આ મામલા પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.

હજરત પીર મલિક રેહાન મીર સાહેબ દરગાહ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આ વર્ષે એક ફેબ્રુઆરીએ મુંબઈના પુરાતત્વ અને સંગ્રહાલય ઉપનિર્દેશક દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા નિર્દેશોને પડકાર્યા છે, જે અંતર્ગત દેવતાઓને બલી ચઢાવવાના નામ પર પશુઓનો વધ કરવા પર રોક લગાવવામાં આવી છે.

નિર્દેશમાં ૧૯૯૮ના હાઈકોર્ટના એક આદેશનો હવાલો આપવામાં આવ્યો, જેમાં સાર્વજનિક સ્થાનો પર દેવી-દેવતાઓના નામ પર પશુઓની બલિ આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે અરજી પર સુનાવણી કરતા રાજ્ય સરકારને અરજીના જવાબમાં પોતાનું સોગાંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલાની વધુ સુનાવણી પાંચ જુલાઈએ હાથ ધરાશે.