સરખેજનો ભારતી આશ્રમ ફરી વિવાદમાં, ૠષિ ભારતી બાપુની ગેરહાજરીમાં હરીહરાનંદ બાપુએ કબજો લીધો

અમદાવાદનો ભારતી આશ્રમ ફરી વિવાદમાં સપડાયો છે. ભારતી આશ્રમ સરખેજ વિસ્તારમાં આવ્યો છે. ગત રાત્રે ભારતી આશ્રમ પર હરીહરાનંદ બાપુએ પોતાના ૧૦૦ સમર્થકો સાથે આશ્રમનો કબજો લીધો. ભારતી આશ્રમમાં ગાદીને લઈને કોર્ટમાં વિવાદ ચાલતો હતો. ૠષિ ભારતી બાપુ આશ્રમનો દોઢ વર્ષની વહીવટ કરતા હતા. અગાઉ આશ્રમનો વહીવટ જગતગુરુ મહામંડલેશ્ર્વર ૧૦૦૮ ભારતી બાપુના હાથમાં હતો. તેમના સ્વર્ગવાસ બાદ ઘણા સમયથી ભારતી આશ્રમના સંચાલનને લઈને ચાલતો વિવાદ કોર્ટમાં પંહોચ્યો હતો. જગતગુરુ મહામંડલેશ્ર્વર ૧૦૦૮ ભારતી બાપુએ ચાર આશ્રમોની સ્થાપના કરી હતી. આ ચાર આશ્રમોમાંથી ત્રણનું સંચાલન હરીહરાનંદ બાપુના હસ્તકે છે. પરંતુ સરખેજના આ ભારતી આશ્રમનો વહીવટ ૠષિ ભારતી કરતા હતા.

સરખેજના ભારતી આશ્રમને લઈને હરીહરાનંદ બાપુએ ૠષિ ભારતી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે ખોટું વસિયતનામું કરી આ આશ્રમ પચાવી પાડ્યો છે. સરખેજ આશ્રમની કિમંત અંદાજે ૫૦ કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે. અને આથી આ ભારતી આશ્રમના વહીવટને લઈને વિવાદ વધુ વકર્યો છે. હરીહરાનંદ બાપુનો દાવો છે કે ત્રણ આશ્રમનું સંચાલન હું કરું છું તેથી આ ચોથા આશ્રમનો વહીવટ પણ હું જ કરીશ. ટ્રસ્ટ મંડળ પણ આ વાત સાથે સંમત છે. ટ્રસ્ટ મંડળ દ્વારા કમિશનર સમક્ષ ઠરાવ રજૂ કરાયો છે કે હરીહરાનંદ બાપુ જ સરખેજના ભારતી આશ્રમનું સંચાલન કરે. ગતરાતે પોતાના સમર્થકો સાથે ભારતી આશ્રમનો કબજો લીધા બાદ તેમણે કહ્યું કે હું અહીંયા જ અનુષ્ઠાન કરીશ. હવે પછી ચાતુર્માસનો જે બાકીનો સમયગાળો છે તે અંહી જ પસાર કરશે.

હરીહરાનંદ બાપુ તેમના સમર્થકો સાથે ભારતી આશ્રમ પર કબજો કરવાના હોવાની પોલીસને માહિતી મળતા કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. ૧૦૦૦ સમર્થકો સાથે કબજો લીધા બાદ પોલીસે સમર્થકોને આશ્રમ બહાર જવાની સૂચના આપી હતી. ભારતી આશ્રમ પર હરીહરાનંદ બાપુએ કબજો લેવા મામલે ૠષિ ભારતી બાપુએ કહ્યું કે મામલો કોર્ટમાં છે. અને અમને કોર્ટ પર સંપૂર્ણ વિશ્ર્વાસ છે. કોર્ટ જે નિર્ણય લેશે તે નિર્ણય આખરી રહેશે. અમે કોર્ટના નિર્ણયનું પાલન કરીશું.