
અમદાવાદ,
પૈસાની લાલચમાં આવીને ખાનગી કંપનીના મેનેજરએ મિત્ર સાથે મળીને ગોડાઉનમાં જ ચોરી કરવાનો પ્લાન ઘડ્યો. મિત્રની સાથે જઇ રૂપીયા ૧૨ લાખ રોકડાની ચોરી કરી. જો કે પોતાની કરતુતોનો પર્દાફાશ ના થાય તે માટે તેણે જ પોલીસને જાણ કરી અને પોલીસ ફરિયાદ દાખલ કરાવી. જો કે પોલીસને તપાસ દરમિયાન ફરિયાદી શંકાના દાયરામાં લાગતા ઉલટ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેનો ભાંડો ફુટી ગયો અને તેણે જ મિત્ર સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી.
અમદાવાદ શહેરના સરખેજની ઉજાલા હોટલ નજીક આવેલ એક ગોડાઉનમાં ૨૧મી નવેમ્બરની રાત્રે ચોરી થઇ હોવાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. જોકે ઘટનાની ગંભીરતાને યાનમાં રાખીને એસીપી સહીતના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઇને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં ફરિયાદી અને સાહેદોની પૂછપરછ કરતા ફરિયાદીએ જણાવેલ હકીક્તમાં વિસંગતતા જોવા મળી હતી. જેમાં ફરિયાદી શંકાના દાયરામાં લાગતા પોલીસએ સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન ફરિયાદીએ જણાવ્યું હતું કે તેના મિત્ર હિરેન પટેલ સાથે મળીને ચોરીનો પ્લાન ઘડ્યો હતો. અને ૨૦મી નવેમ્બરના દિવસે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ આરોપી પ્રશાંત પટેલ તથા હિરેન પટેલ ગાડી લઇને બનાવવાળી જગ્યાએ પહોચ્યા હતા. અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. બાદમાં પોલીસને જાણ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.
પકડાયેલ બંન્ને આરોપીઓ વાલમાં રહે છે. જ્યારે આરોપી પ્રશાંત પટેલ છેલ્લા છ મહીનાથી જીઓ સ્ટોરના ગોડાઉનમાં મેનેજર તરીકે નોકરી કરે છે. જે પોતે આથક વ્યવહાર સંભાળતો હોવાથી દરરોજ લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતું હોવાથી પ્રશાંત લાલચમાં આવીને મિત્ર હિરેન સાથે ચોરી કરવાનો પ્લાન કર્યો હતો. જે બાદ ચોરીની ખોટી ફરિયાદ આપી અને પોલીસ તપાસમાં પોતે ખોટી ફરિયાદ કર્યું હોવાથી બન્નેની ધરપકડ કરી. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને રૂપીયા ૭ લાખ ૪૮ હજાર રોકડા, ડીવીઆર, ૨ મોબાઇલ અને કાર કબ્જે કરી છે. હાલમાં પોલીસએ આ બંન્ને આરોપીઓના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.