
આજરોજ યુવક વિકાસ ટ્રસ્ટ, અમદાવાદ અને સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના સંયુકત ઉપક્રમે સુચારૂ શાસન વ્યવસ્થા: ગામડાઓના સંદર્ભમાં વિષય પર આયોજીત ત્રિદિવસીય નિવાસી ગ્રામ શિબિરનો ઉદ્ઘાટન સમારંભ કઠલાલ તાલુકાના પીઠાઈ ગામ ખાતે યોજાયો. પ્રસ્તુત કાર્યક્રમમાં યુવક વિકાસ ટ્રસ્ટ, અમદાવાદના માનદ નિયામક અને ટ્રસ્ટી મયંકભાઈ ઉપાધ્યાય, પીઠાઈ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ચિરાગભાઈ પટેલ, મદદનીશ શિક્ષક રાજેશભાઈ શર્મા, પીઠેશ્ર્વરી વિદ્યા મંદિરના આચાર્ય દિલીપભાઈ પટેલ, સરકારી કોલેજ કઠલાલના આચાર્ય ડો. દિવ્યનાથ શુક્લ અને મદદનીશ પ્રાધ્યાપક હિતેશ સાધુ ઉપસ્થિત રહ્યા હતા.

મયંકભાઇ ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓમાં તેમજ દેશના યુવાનોમાં રાષ્ટ્ર સેવાની ભાવના વિકસે તે અંગે માર્ગદર્શન અપાયું હતું. ચિરાગ પટેલ અને ડો. દિવ્યનાથ શુક્લ એ પ્રસ્તુત શિબિર થકી વિદ્યાર્થીઓ સમાજ ઘડતરથી રાષ્ટ્ર ઘડતર તરફ પ્રવૃત્ત થશે તેવી ખેવના વ્યક્ત કરતા શુભેચ્છાઓ અર્પી હતી. ત્યારબાદ પંચ પ્રકલ્પ અંતર્ગત સરકારી કોલેજ, કઠલાલના સ્વયં સેવકો દ્વારા સાંપ્રત સામાજીક સમસ્યા તરીકે દહેજ પ્રથાના દૂષણને વ્યક્ત કરતા અત્યંત સૂચક અને રોચક નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પ્રસ્તુત શિબિર અંતર્ગત સમગ્ર દિવસ દરમિયાન વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.
જે અન્વયે સંવિધાન કરિયર એકેડમીના સંસ્થાપક ડો. વિકલ્પ કોટવાલ દ્વારા શિબિરાર્થીઓને ભારતના બંધારણનો ઇતિહાસ અને ઘડતર વિષય પર અત્યંત માહિતીસભર વ્યાખ્યાન આપવામાં આવેલ. ત્યારબાદ શિબિરાર્થીઓ દ્વારા પંચાયતી રાજના સંદર્ભમાં ગામના વિભિન્ન સરકારી તેમજ સહકારી માળખાઓની મુલાકાત લઈ તે સંદર્ભે માહિતી એકત્ર કરાઈ હતી. તેમજ વિદ્યાર્થીઓને સુચારૂ શાસન વ્યવસ્થાના સંદર્ભમાં કહાની બદલાવ કી: હિવરે બજાર નામની ફિલ્મનું નિદર્શન કરાવવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમની આભારવિધિ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો. પરેશ પટેલ દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન યુવક વિકાસ ટ્રસ્ટ, અમદાવાદના મદદનીશ વરિષ્ઠ કાર્યક્રમ અધિકારી વિક્રમસિંહ ચૌહણ એ કર્યું હતું.