સરકારી કર્મચારીઓને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવવા માટે સીધા પુરાવા જરૂરી નથી : સુપ્રીમ

નવીદિલ્હી,

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો લાંચની માંગણીનો કોઈ સીધો પુરાવો ન હોય અથવા ફરિયાદી મરી ગયો હોય તો પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષિત સાબિત થઈ શકે છે. ૫ જજની બંધારણીય બેન્ચે સ્વીકાર્યું છે કે તપાસ એજન્સી દ્વારા એકત્રિત કરવામાં આવેલા અન્ય પુરાવા પણ કેસને સાબિત કરી શકે છે.

ન્યાયમૂત એસ એ નઝીરની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે ફરિયાદીઓ તેમજ ફરિયાદ પક્ષે ભ્રષ્ટ સરકારી કર્મચારીઓને સજા અને દોષિત ઠેરવવાના નિષ્ઠાવાન પ્રયાસો કરવા જોઈએ જેથી વહીવટ અને શાસન ભ્રષ્ટાચારથી મુક્ત થઈ શકે. બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, એએસ બોપન્ના, વી રામસુબ્રમણ્યમ અને બી વી નાગરથ્નાનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મૃત્યુ અથવા અન્ય કારણોસર ફરિયાદીનો સીધો પુરાવો ઉપલબ્ધ ન હોય તો પણ સંબંધિત જોગવાઈઓ હેઠળ જાહેર સેવકને દોષી ઠેરવી શકાય છે.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંશોધન બિલ-૨૦૧૮માં લાંચ આપનારને પણ તેના દાયરામાં લાવવામાં આવ્યો છે. આમાં ભ્રષ્ટાચારને ડામવા અને પ્રમાણિક કર્મચારીઓને સુરક્ષા આપવાની જોગવાઈ છે. લોક્સેવકો પર ભ્રષ્ટાચારનો કેસ ચલાવતા પહેલા કેન્દ્રના કિસ્સામાં લોકપાલ પાસેથી અને રાજ્યોના કિસ્સામાં લોકાયુક્તની પરવાનગી લેવી પડે છે. લાંચ આપનારને તેનો કેસ રજૂ કરવા માટે ૭ દિવસનો સમય આપવામાં આવશે, જે ૧૫ દિવસ સુધી લંબાવી શકાય છે. તપાસ દરમિયાન એ પણ જોવામાં આવશે કે લાંચ કયા સંજોગોમાં આપવામાં આવી હતી.