સરકારી આઇ.ટી.આઇ ગોધરા ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો

  • ઇન્ટરવ્યુ પ્રક્રિયા,શારીરિક કસોટી તથા તબીબી પરીક્ષણના આધારે 90થી વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ.

જીલ્લા રોજગાર વિનિમય કચેરી,પંચમહાલ,સરકારી આઇ.ટી.આઇ ગોધરા તથા જે.એસ.ડબલ્યુ એમ.જી મોટર ઇન્ડિયા પ્રા.લી હાલોલ એકમના સંયુકત ઉપક્રમે સરકારી આઇ.ટી.આઇ ગોધરા ખાતે મહિલા અનુભવી અને બિન અનુભવી તથા પુરૂષ અનુભવી ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો હતો.

પંચમહાલ, દાહોદ, મહીસાગર,ખેડા,વડોદરા,અરવલ્લી જીલ્લાના 300થી વધુ મહિલા તથા પુરૂષ ઉમેદવારોએ હાજર રહીને ટ્રેની, પ્રેશ શોપ, બોડી શોપ, પ્રેસ શોપ, ડાઇમેન્ટન્સ સ્ટેમ્પિગ, યુટિલિટી અને જનરલ એસેમ્બ્લીની જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે.એસ.ડબલ્યુ એમ.જી મોટર ઇન્ડિયા પ્રા.લી હાલોલ એકમ એચ.આર ટીમ તથા મેડિકલ ટીમ દ્વારા હાજર રહેલ ઉમેદવારોને ઇન્ટરવ્યુ પ્રક્રિયા,શારીરિક કસોટી તથા તબીબી પરીક્ષણ આધારે આશરે 90થી વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

જીલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ અને સરકારી આઇ.ટી.આઇ ગોધરાના આચાર્ય અને પ્લેસમેન્ટ અધિકારી દ્વારા હાજર ઉમેદવારોને એપ્રન્ટીસ તથા રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.