સરકારી હેરાનગતિનો ’રાજકીય’ જવાબ અપાશે: ચૈતર વસાવાને ’આપ’ લોક્સભા ચૂંટણી લડાવશે

અમદાવાદ, લોક્સભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણનો માહોલ ગરમાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ મહત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે,આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. જેના વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ આ અત્યાચારના જવાબમાં એ નિર્ણય લીધો છે.

આગળની રાજનીતિનો પ્લાન ઘડવા ડેડીયાપાડાના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઇ હતી. આ મીટીંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે આવતીકાલથી જ ભરૂચ લોક્સભાના એક એક ગામમાં જઈને ચૈતર વસાવાને લોક્સભા ચૂંટણી જીતાડવા માટે મહેનત કરવાની શરૂઆત કરવામાં આવશે. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કાર્યર્ક્તાઓ જોડાયા હતા. સર્વનું માનવું છે કે માત્ર પોલીસ અને કોર્ટ કચેરીથી ન્યાયના ભરોષે બેસી શકે તેમ નથી માટે ચૈતર વસાવાને સાંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવીશું

તેવો મિટિંગમાં સંકલ્પ લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક મારામારીના કેસમાં વનવિભાગ દ્વારા ફરિયાદી બનીને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઇ છે. વનવિભાગની જમીન પર ખેડાણ કરતા આદિવાસીઓના મુદ્દે વનવિભાગના કર્મચારી અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે મામલો ઉગ્ર બન્યો હતો. જેથી વન વિભાગ દ્વારા ચૈતર વસાવા ઉપરાંત તેમના પત્ની શકુંતલા બહેન સહિતના કુલ ૮ લોકો વિરુદ્ધ ફરિયાદ થઇ છે. જે પૈકી ૩ને પોલીસે ઝડપી પણ લીધા છે.