નવીદિલ્હી,ટીએમસી નેતા મહુઆ મોઇત્રા દ્વારા કેશ ફોર ક્વેશ્ર્ચન કેસમાં સરકારી બંગલો ખાલી કરવા માટે આપવામાં આવેલી નોટિસને પડકારતી અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી ૪ જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવી છે. મહુઆ મોઇત્રાને હાલમાં હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ મહુઆ મોઈત્રાની હકાલપટ્ટી વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરી રહી છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટ હાલમાં આ અંગે સુનાવણી કરી શકે નહીં. મહુઆએ બંગલો ખાલી કરાવવાની નોટિસ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
૧૧ ડિસેમ્બરે એસ્ટેટ વિભાગે બંગલો ખાલી કરવાની નોટિસ આપી છે. લોક્સભામાંથી તેણીની હકાલપટ્ટી પછી, ભૂતપૂર્વ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને એસ્ટેટ ડિરેક્ટોરેટ દ્વારા ૭ ફેબ્રુઆરી સુધીમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ અરજીમાં, સાંસદે વિનંતી કરી છે કે એસ્ટેટ ડિરેક્ટોરેટના ૧૧ ડિસેમ્બરના આદેશને રદ કરવામાં આવે અથવા મોઇત્રાને વૈકલ્પિક રીતે ૨૦૨૪ના લોક્સભા પરિણામો જાહેર થાય ત્યાં સુધી ઘરનો કબજો જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવે.
મોઇત્રાને ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી ભેટ સ્વીકારવા અને તેની સાથે સંસદની વેબસાઇટનો યુઝર આઈડી અને પાસવર્ડ શેર કરવા બદલ અનૈતિક વર્તણૂક માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો અને ૮ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ તેને લોક્સભામાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. લોક્સભાએ તેમની હકાલપટ્ટીની ભલામણ કરતી એથિક્સ કમિટીના રિપોર્ટને સ્વીકાર્યા પછી, તેમણે તેમની હકાલપટ્ટીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. આ મામલો ૩ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ છે.