
કેન્દ્ર સરકારે ફેક ન્યૂઝ દર્શાવતી યુટ્યુબ ચેનલો સામે મોટી કાર્યવાહી કરી છે. ફેક ન્યૂઝ ફેલાવવા બદલ સરકારે 8 યુટ્યુબ ચેનલ્સને બ્લોક કરી દીધી છે. આ ચેનલો સમય પહેલા લોકસભાની ચૂંટણી અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર પ્રતિબંધ લગાવવા જેવા ફેક સમાચાર ફેલાવવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી ઘણા પર દેશની સેના વિશે ખોટી માહિતી ફેલાવવાનો પણ આરોપ છે. ત્યારે આ આ તમામ મુદ્દાને લઈને સરકારે ફેક ન્યૂઝ ફેલાવતી કેટલીક યુ-ટ્યુબ ચેનલો પર મોટી કાર્યવાહી કરી છે.
આ યુટ્યુબ ચેનલોના વીડિયો ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આ ચેનલોમાં ઘણી ખામીઓ જોવા મળી હતી અને કેટલાક સમાચાર ભડકાઉ અને તદ્દન ફેક હતા. અધિકારીઓએ જણાવ્યું કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ ચેનલો પરના ફેક ન્યૂઝની હકીકત તપાસી છે. અધિકારીઓએ જણાવ્યું કે જે ચેનલો પર કાર્યવાહી કરવામાં આવી છે તેના 2 કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.
તમને જણાવી દઈએ કે સરકાર ફેક ન્યૂઝને લઈને ઘણી સતર્ક થઈ ગઈ છે. સરકાર સોશિયલ મીડિયા પરની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. યુવાનો, વિદ્યાર્થીઓ, સમાજ અને સમુદાયને ગેરમાર્ગે દોરતી અને ઉશ્કેરતી સામગ્રી આપતા સમાચારો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલીવાર નથી, આ પહેલા પણ સરકારે ફેક ન્યૂઝ ફેલાવતી ઘણી યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે.
તમને જણાવી દઈએ કે આ ન્યૂઝ ચેનલો યુટ્યુબ ચેનલોમાં સામેલ છે જે બંધ થઈ ગઈ છે. આ તમામ ચેનલોના કરોડો સબ્સ્ક્રાઇબર્સ અને વ્યુઝ છે.
યહા સચ દેખો (Yahan Sach Dekho) કેપિટલ ટીવી (Capital TV) કેપીએસ ન્યૂઝ (KPS News) સરકારી વ્લોગ (Sarkari Vlog) અર્ન ટેક ઈન્ડિયા (Earn Tech India) SPN9 ન્યૂઝ (SPN9 News) એજ્યુકેશનલ દોસ્ત (Educational Dost) વર્લ્ડ બેસ્ટ ન્યૂઝ (World Best News)
સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવા બદલ સરકારે આ અગાઉ પણ ઘણી મોટી કાર્યવાહી હાથ ધરી હતી ખાસ કરીને સરકારે 2022માં ખોટી માહિતી દર્શાવતા 100 થી વધુ યુટ્યુબ ચેનલો અને ઘણા વીડિયો બ્લોક કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી છે. આ સાથે જ મંત્રાલયે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે.