ગાઝીપુર, સમાજવાદી પાર્ટી (એસપી)ના પ્રમુખ અખિલેશ યાદવે માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના પરિવારજનોને મળવા ગાઝીપુર પહોંચ્યા અને કહ્યું કે તેમને આશા છે કે અંસારીના મૃત્યુનું સત્ય બહાર આવશે અને પરિવારને ન્યાય અપાશે. પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીના પરિવારને મળ્યા બાદ સપા પ્રમુખે પત્રકારોને કહ્યું, “તે ચોંકાવનારું છે કે મુખ્તાર અંસારીએ પોતે આશંકા વ્યક્ત કરી કે તેમને (જેલમાં) ઝેર આપવામાં આવ્યું છે. અમને આશા છે કે સરકાર સત્ય બહાર લાવશે અને પરિવારને ન્યાય મળશે.
મુખ્તારને જેલમાં ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાના પરિવારના આક્ષેપ તરફ ઈશારો કરતા સપા પ્રમુખે કહ્યું કે, શું તમે, અમે અને અહીંના તમામ લોકો સ્વીકારીશું કે આ મૃત્યુ કુદરતી હતું? શું સામાન્ય લોકોમાં એવી લાગણી નથી કે સરકાર કંઈક છુપાવી રહી છે?
કોઈનું નામ લીધા વિના કે ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના યાદવે કહ્યું, “એક વેપારીએ એક લાખ ડોલર આપવાની વાત કરી અને હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો. તે બીજા દેશમાં પકડાયો હતો અને જેલમાં છે. ભારત સરકારનો એક અધિકારી તેમાં સામેલ હતો. તમે પણ આ બધી બાબતો જાણો છો. જો આપણે, વિપક્ષ, સરકાર પર શંકા કરી રહ્યા છીએ, તો આપણે શું ખોટું કરી રહ્યા છીએ?
સરકારના જણાવ્યા અનુસાર, મૌના પાંચ વખતના ધારાસભ્ય અને અનેક ગુનાહિત કેસોમાં દોષિત મુખ્તાર અન્સારીનું ૨૮ માર્ચે બાંદા જેલમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. જો કે, અંસારીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે મુખ્તારને જેલમાં ’ધીમા ઝેર’ આપવામાં આવ્યું હતું.
એક પ્રશ્ર્ન પર, સપા વડાએ કહ્યું, “જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી છે ત્યારથી સંસ્થાઓમાં વિશ્ર્વાસ ઓછો થયો છે. આપણે આપણા ઉત્તર પ્રદેશમાં જોયું છે. લોકો ન્યાય માટે મુખ્યમંત્રી આવાસની બહાર આત્મવિલોપન કરી રહ્યા છે. જેલમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે. કસ્ટોડિયલ ડેથના મામલામાં ઉત્તર પ્રદેશ સતત આગળ વધી રહ્યું છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે વિકાસ માટે કંઈ કર્યું ન હોવાથી, તેની પાસે લોકોનો સામનો કરવાની હિંમત નથી, જે ચૂંટણીમાં ભાજપના નેતાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાષામાં જોઈ શકાય છે.તેમણે દાવો કર્યો, “એક કે બે નહીં… પરંતુ રાજ્યમાં ૯-૧૦ પ્રશ્ર્નપત્રો લીક થયા હતા. બેરોજગારી, અગ્નિવીર યોજના, તેના વિશે સરકારનું શું કહેવું છે? સપા વડાએ દાવો કર્યો કે જો ભાજપ ફરી સત્તામાં આવશે તો પોલીસ દળમાં પણ આવી યોજનાઓ શરૂ કરવામાં આવશે.
મુખ્તાર અંસારીના પુત્ર ઓમર અંસારીએ કહ્યું કે અખિલેશ તેમના પરિવારને સાંત્વના આપવા આવ્યા હતા અને તેઓ એક વાલી જેવા છે. સમાજવાદી પાર્ટીએ ગાઝીપુરથી મુખ્તારના ભાઈ અફઝલ અંસારીને ટિકિટ આપી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં અફઝલે આ સીટ બસપાની ટિકિટ પર ભાજપના મનોજ સિન્હાને હરાવીને જીતી હતી.