નવી સંસદ ભવનમાંથી મહાત્મા ગાંધી અને ડો. ભીમરાવ આંબેડકરની તસવીરો હટાવવાનો મામલો હવે વેગ પકડતો જોવા મળી રહ્યો છે. આ બાબતને લઈને કોંગ્રેસના નેતા અને દલિત, ઓબીસી, આઈએમ લઘુમતી પરિષદના પ્રમુખ ઉદિત રાજે જંતર-મંતર પર આંદોલનનું આહ્વાન કર્યું છે.
કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું કે જો એનડીએ સરકાર નવી સંસદ ભવનમાં મહાત્મા ગાંધી અને ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીરો નહીં લગાવે તો અમે ૨૬ જૂને જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરીશું. બાબા સાહેબ અને મહાત્મા ગાંધીના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તેમનું મહત્વ નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ જૂની સંસદને નમન કર્યા હતા, ત્યારબાદ તેમણે તેને છોડી દીધી હતી. હવે તેઓ બંધારણને પણ ખતમ કરવા માંગે છે. ૨૨ જૂને બંધારણ બચાવવા માટે બહુજન સમાજની બેઠક યોજાશે. આ બેઠકમાં દેશભરમાંથી ચિંતકો અને દલિત કાર્યર્ક્તાઓ ભાગ લેશે.
તે જ સમયે, આ સમગ્ર મામલામાં ભાજપના નેતા ઓમ બિરલાએ પહેલાથી જ સ્પષ્ટ કર્યું છે કે મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકરની તસવીરો હટાવવામાં આવી નથી, પરંતુ તેમને પ્રેરણાના સ્થળે આદરપૂર્વક પુન:સ્થાપિત કરવામાં આવી છે.