સરકારે લઘુમતી સમુદાયોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ઘણાં કાર્યો કર્યા છે.

નવીદિલ્હી, છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લઘુમતી સમુદાયના લોકોના કલ્યાણ અને ઉત્થાન માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. ખાસ કરીને કેન્દ્રીય લઘુમતી મંત્રાલયે પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિક, શિષ્યવૃત્તિ વગેરે જેવી યોજનાઓ અમલમાં મૂકીને આ સમુદાયના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સશક્ત બનાવવાના પ્રયાસો કર્યા છે. પરંતુ કેન્દ્ર સરકારના અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા જવાબને સાંભળ્યા બાદ એવું લાગે છે કે લઘુમતીઓના ભલા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાં ઘણી રીતે નિરર્થક સાબિત થઈ રહ્યા છે.

હકીક્તમાં,રાજ્યસભામાં લઘુમતી બાબતોના મંત્રાલયને આ પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો કે, ધોરણ ૧૦માં આ સમુદાયના વિદ્યાર્થીઓનો શાળા છોડવાનો દર શું છે અને લઘુમતી વિદ્યાર્થીઓએ ઉચ્ચ માધ્યમિક સ્તરે શાળા છોડવાના કારણો શું છે?

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સભ્ય વિકાસ રંજન ભટ્ટાચાર્યના આ પ્રશ્ર્નનો લેખિત જવાબ આપતાં કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સરકારે ૬ નોટિફાઈડ લઘુમતી સમુદાયોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ઘણાં કાર્યો કર્યા છે. શિક્ષણ મંત્રાલયે સંકલિત જિલ્લા માહિતી પ્રણાલી વિક્સાવી હોવાથી, શાળા શિક્ષણ સૂચકાંકો પર ડેટા રેકોર્ડ કરવા માટે રાજ્યો દ્વારા શિક્ષણ પ્લસ માટેની સિસ્ટમ પણ પ્રદાન કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં આ શ્રેણીમાંથી આવતા વિદ્યાર્થીઓનું શાળા છોડવું એ ગંભીર ચિંતાનો વિષય છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે નાની ઉંમરમાં આર્થિક મુશ્કેલીઓ અને આર્થિક પ્રવૃત્તિઓમાં સામેલ થવું એ આટલી મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓએ શાળા છોડવાનું સૌથી મોટું કારણ છે. જો કે, સરકારે ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે ફીમાં ઘટાડો, વધુ સંસ્થાઓની સ્થાપના, શિષ્યવૃત્તિ, પ્રાથમિક્તા વગેરે જેવા ઘણા પગલાં લીધાં છે. આમ છતાં ડ્રોપઆઉટના આંકડા ચોંકાવનારા છે.

જો આપણે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયના વર્ષ ૨૦૨૧-૨૨ માટે શાળા છોડવાના ડેટા પર નજર કરીએ તો, આ શૈક્ષણિક વર્ષમાં છત્તીસગઢમાં સૌથી વધુ ૫૪ ટકા લઘુમતી વિદ્યાર્થીઓ છે જેમણે તેમનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે તે સમયે કોંગ્રેસની સરકાર હતી જે સતત લઘુમતીઓના સૌથી મોટા સમર્થક હોવાનો દાવો કરતી હતી.

ભૂપેશ બઘેલના કાર્યકાળ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લઘુમતીઓએ શાળા છોડી દીધી હોવાની ઘટના તેમની તત્કાલીન સરકારની લઘુમતીઓ પ્રત્યેની ઉદાસીનતા પર સવાલો ઉભા કરી રહી છે. જો કે, છત્તીસગઢ સિવાય હિમાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં પણ લઘુમતી સમુદાયમાંથી શાળા છોડવાની ટકાવારી ૪૦ ટકાથી વધુ છે.