સરકારે ૧૯ ગ્રામવાળા કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટાડ્યો

નવીદિલ્હી, નવા વર્ષ પહેલા જ સરકાર તરફથી ભેટ મળી ગઈ છે. સરકારે ૧૯ ગ્રામવાળા કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટાડ્યો છે. ૧૯ કિલોગ્રામવાળા કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩૯ રૂપિયાનો ઘટાડો થયો છે. કૉમર્શિયલ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧૭૯૬.૫૦ રૂપિયા, મુંબઈમાં ૧૭૪૯ રૂપિયા, કોલકાતામાં ૧૯૦૮ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૯૬૮.૫૦ રૂપિયા હતો. હવે આ ભાવમાં ૩૯ રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

અત્રે જણાવવાનું કે આ પહેલા ૧ ડિસેમ્બરના રોજ ૧૯ કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે સિલિન્ડરનો ભાવ ૨૧ રૂપિયા વધારવામાં આવ્યો હતો. તે પહેલા ૧૬ નવેમ્બરના રોજ કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ ૫૭ રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી લગભગ દર મહિને કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. વારંવાર સિલિન્ડરના રેટ રિવાઈઝ કરવામાં આવ્યા છે.

ઘરેલુ સિલિન્ડરની વાત કરીએ તો તેના રેટમાં ઓગસ્ટ બાદથી કોઈ ફેરફાર થયો નથી. છેલ્લી વખત ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમત ૨૦૦ રૂપિયા ઓછી કરવામાં આવી હતી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ ઘરેલુ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં ૯૦૩ રૂપિયા, કોલકાતામાં ૯૨૯ રૂપિયામાં અને મુંબઈમાં ૯૦૨.૫૦ રૂપિયામાં મળે છે.