સરકાર ટૂંકા સત્રથી જનતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માગતી નથી,અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી ત્રણ દિવસીય સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ ફરી એકવાર રાજ્યસરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ ૩ દિવસના બદલે ૧૦ દિવસના સત્રની માગ કરી છે.

અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર ટૂંકા સત્રથી જનતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માગતી નથી. પ્રજાના પ્રશ્ર્નોથી સરકાર ભાગી રહી છે. રાજ્યમાં અનેક વિષયોના પ્રશ્ર્નો છે. જેના માટે ત્રણ દિવસ ખૂબ ઓછ સમય કહેવાય. બીજી બાજુ સરકારના પ્રવક્તા ૠષિકેશ પટેલે કહ્યું કે, ટૂંકી મુદ્દતના સત્રમાં મહત્વના મુદ્દાઓ ચર્ચાશે. કોંગ્રેસને માત્ર વિરોધ કરતા જ આવડે છે અને તે વિરોધ કરી રહી છે.

ચાવડાએ કહ્યું કે, અમે થોડા દિવસ અગાઉ પણ પત્ર લખી સરકારને લાંબા સત્રની માંગ કરી હતી અને હવે ફરી એકવાર તે જ વાત કહી રહ્યાં છીએ. બંધારણમાં જોગવાઈ મુજબ સત્ર બોલાવાનું થતું હોય ત્યારે ૨૧ દિવસનો સમયગાળો રહેતો હોય છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પ્રશ્ર્નોમાંથી ભાગતી આ સરકાર અમારા પત્રની નોંધ લીધી નહી અને ટૂકી નોટિસથી સત્રની જાહેરાત કરી છે. રાજ્યમાં અનેક પ્રશ્ર્નો છે જેને વાંચા મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રશ્ર્નો કરવામાં આવ્યા છે તે પણ રદ્દ કરવામાં આવ્યા છે.