
દેશમાં લોક્સભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએની સરકાર ‘મોદી ૩.૦’ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ૭૨ મંત્રીઓમાં મંત્રાલયો પણ વહેંચવામાં આવ્યા છે. હરદીપ સિંહ પુરીને ફરી એક વખત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમણે કાર્યભાર સંભાળતાની સાથે જ એક મોટી જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે, આ વખતે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓને ગુડ્સ એન્ડ સવસ ટેક્સ (જીએસટી)ના દાયરામાં લાવવાનો પ્રયાસ કરશે. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.
પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણને જીએસટીના દાયરામાં લાવવાનો આ પ્રયાસ નવો નથી.જીએસટી સિસ્ટમ અમલમાં આવી ત્યારથી અને ત્યારબાદ જીએસટી કાઉન્સિલની રચના થઈ ત્યારથી આ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જીએસટી કાઉન્સિલની લગભગ દરેક બેઠકમાં આ બાબતને આગળ કરવામાં આવી છે. પરંતુ આ અંગે રાજ્યો વચ્ચે હજુ સુધી સહમતિ બની શકી નથી.
પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ રાજ્ય સરકાર માટે આવકનો મુખ્ય ોત છે. આવી સ્થિતિમાં, રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ આવવાને કારણે તેમની આવકમાં નુક્સાનનો સામનો કરવા માંગતી નથી. આ સિવાય રાજ્યોને દારૂ પરના ટેક્સમાંથી પણ મોટી આવક મળે છે. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાથી ગ્રાહકોને સૌથી વધુ ફાયદો થશે. જ્યારે, દેશભરમાં લોકોએ તેના માટે અલગ-અલગ કિંમતો ચૂકવવી પડશે નહીં.
પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની સાથે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, સરકારે ૨૦૩૦ સુધીમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ હવે તે આગામી વર્ષ એટલે કે ૨૦૨૫ સુધીમાં જ પૂર્ણ થવાની આશા છે. આશા છે. આ સાથે તેમણે કહ્યું કે સરકાર પેટ્રોલિયમ સેક્ટરના પીએસયુમાં હિસ્સો વેચવાના પક્ષમાં નથી.