- દાહોદમાં રેવન્યુ સર્વે નંબર 963 /1 પૈકી 1 અને 963/2 પૈકી 1 માં કલેક્ટરના હુકમ બાદ સક્ષમ અધિકારીઓ કસૂરવારો સામે ફોજદારી ગુનો ક્યારે નોંધાવશે.?ચર્ચાતો સવાલ.
- શહેરમાં કેટલીક જમીનોમાં સક્ષમ અધિકારીની ખોટા સહી અને સિક્કાઓ દ્વારા જમીનો લેવેચનો કાળો કારોબાર.
- સરકાર તરફે વફાદાર અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સક્ષમ અધિકારી દ્વારા સીમાચિહ્નો રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી.
દાહોદ, દાહોદના ઉકરડી રોડ ઉપર આવેલ અને હકીમી મહૌલ્લા તરીકે ઓળખાતી એ જમીનોમાં પાડવામાં આવેલા પ્લોટોના વેચાણ દસ્તાવેજો 3 પાકા મકાનો અને કલબ હાઉસ બનાવવામાં આવ્યું છે. આ દાહોદ કસ્બાની ખાતા નં.1090ના રેવન્યુ સર્વે નંબર 963 /1 પૈકી 1 અને 963/2 પૈકી 1 ની જમીન 73 અઅ નિયંત્રણ સત્તા પ્રકારની હોવા છતાપણ દાહોદ તાલુકા વિકાસ અધિકારીના બોગસ બીન ખેતીના હુકમના આધારે સીટી સર્વે કચેરીમાં 73એએની આદિવાસી ખેડૂતની ખેતીની જમીનની બિનખેતીમાં નોંધ પડાવી કરવામાં આવેલા ચોકાવનારા વ્યાપારો સામે દાહોદ કલેકટર ડો. હર્ષિત પી.ગોસાવી દ્વારા આ બંને વિવાદીત સર્વે નંબરોની જમીનોને જમીન મહેસૂલી કાયદાની કલમ 73 એએ ના નિયંત્રણોમાં ભંગ બદલ ખાલસા કરી સરકારી પડતર તરીકે સદર દાખલ કરીને આ જમીનો ઉપર કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામોને દિન-15 માં દૂર કરવાનો સખ્ત અને ઐતિહાસિક આદેશ ફરમાવતા ભૂ-માફીયાઓના વ્હાઇટ કોલર ક્રાઈમની સિન્ડિકેટમાં ભયંકર ઉત્પાત પ્રસરી જવા પામ્યો હોવાનો માહૌલ સર્જાયો છે. ત્યારે ઉપરોક્ત મામલે સરકારી દસ્તાવેજ સાથે ચેડા કરી સરકારની તિજોરીને ચૂનો ચોપડી વિશ્ર્વાસઘાત થયો હોવાનું નરી આંખે દેખાય છે. ત્યારે કલેકટરના કરેલા હુકમના આધારે જે સક્ષમ અધિકારીની ખોટી સહી અને સિક્કા મારવામાં આવ્યા છે. તેઓ આ મામલે ફોજદારી ગુનો ક્યારે દાખલ કરાવશે..? તેવી ચર્ચાઓ દાહોદ શહેર સહીત જીલ્લાભરમાં ઉઠવા પામી છે. ત્યારે ઉપરોક્ત કૌભાંડીઓ વિરૂદ્ધ ફોજદારી ગુનો નોંધાશે કે પછી ઘીના ઠામમાં ઘી ઠરી જશે. ત્યારે આ સમગ્ર બાબતની વચ્ચે પ્રકરણમાં સંબંધિત અધિકારીઓની મુક સંમતિ તો નથી ને.? લોકમુખે ચાલતી ચર્ચાઓ મુજબ આવા તો અસંખ્ય કેશો હાલમાં મહેસુલ ખાતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે દાહોદ જીલ્લામાં આવા ભ્રષ્ટાચારીઓના મનમાં કાયદો અને કાનૂન વ્યવસ્થાનો ભય ઊભો થાય તે માટે સંબંધિત વિભાગ દ્વારા સીમાચિન્હરૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગણી જોરસોરથી ઉઠવા પામી છે.
દાહોદ જીલ્લા કલેકટર ડો.હર્ષિત પી.ગોસાવીની અદાલત સમક્ષ અરજદાર મોઈઝ મુફદલભાઈ સાથલીયાવાલા દ્રારા દાહોદ કસ્બાના ખાતા નં 1090 ના રે-સર્વે નં 963/1 પૈકી 1 અને 963/2 પૈકી 1 ની જમીનોમાં 73 એએના નિયંત્રણોનો ભંગ બિનખેતી હુકમની કાયદેસરતા અને દાહોદ ડી.પી.રોડ પ્લાન ભંગ પરત્વે દાદ માનતી અપીલ દાખલ કરવામાં આવી હતી. આ વિવાદિત જમીન સંદર્ભમાં દાહોદ પ્રાંત અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલા તપાસ અહેવાલ દાહોદ તાલુકા વિકાસ અધિકારીના અભિપ્રાય અને સીટી સર્વેના રેકોર્ડની ચકાસણીઓમાં આ 73 એએની વિવાદિત જમીનમાં ઇદરીશ પીટોલવાલા અને મનસુર કાગદીવાલા એ આ જમીનમાં પ્લોટો પાડીને વેચાણ દસ્તાવેજો પણ કર્યા છે. અને એમાં કેટલાક બાંધકામો પણ કર્યા છે. આ જમીન રેવન્યુ રેકર્ડની ચકાસણી કરતા ખેતીના હેડે ચાલે છે. પરંતુ દાહોદ સીટી સર્વે કચેરીમાં દાહોદ તાલુકા વિકાસ અધિકારીના 2018 ના બિન ખેતીના હુકમની નોધના આધારે સીટી સર્વે નંબર 5980 થી બિનખેતી અંગેની નોંધ સાથે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યું હોવાના ચોકાવનારા પ્રકરણનો પર્દાફાશ થયો હતો. એમાં દાહોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ બિનખેતીના હુકમ બોગસ અને ઉપજાવી કાઢેલ હોવાનું જણાવ્યું હતું. જોકે, દાહોદ કલેકટર ડો.હર્ષિત પી.ગોસાવી દ્વારા આ વિવાદિત જમીનને ખાલસા કરીને બિનઅધિકૃત બાંધકામોને દૂર કરવાના આપેલા આદેશમાં દાહોદ તાલુકા વિકાસ અધિકારીના અનઅધિકૃત બિનખેતીના હુકમના આધારે તૈયાર કરાયેલા પ્રોપર્ટી કાર્ડને રદ કરવાનો આદેશ દાહોદ સીટી સર્વે કચેરીના સુપ્રીટેન્ડનને આદેશ ફરમાવ્યો છે. ત્યારે સમગ્ર મામલે ખેતીલાયક તથા 73 એએ થી નિયંત્રિત જમીનના ટાઈટલ ક્લિયરની સામાન્ય પ્રક્રિયા એ પ્રકારે હોય છે કે બંને કિસ્સામાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવામાં આવતી હોય છે. ત્યારબાદ દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. પરંતુ ઉપરોક્ત કિસ્સામાં આમાંથી કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્યા વગર ખોટા પુરાવાઓ અને અધિકારીઓની ખોટી સહી કરીને હુકમો ગેરકાયદેસર રીતે તૈયાર કરવામાં આવ્યા છે. જે હુકમો પછીથી સીટી સર્વે સુપ્રિન્ટેન્ટ સમક્ષ રજૂ કરી સીટી સર્વેમાં બારોબાર એન્ટ્રી પડાવી દેખીતી રીતે સરકારી દસ્તાવેજ સાથે ચેડા અને સરકાર સાથે વિશ્ર્વાસઘાત કર્યો હોય તેવું નરી આંખે જોવાઈ રહ્યું છે. જેનો સ્પષ્ટ ઉલ્લેખ કલેકટર એ પણ પોતાના હુકમમાં કરેલ છે. તો આ સક્ષમ અધિકારીઓ કે જેઓની ખોટી સહી અને સિક્કા મારવામાં આવ્યા છે. તેઓ શું આ મામલે ખોટું કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરાવશે ખરા..? કે પછી ઘીના ઠામમાં ઘી ઠરી જશે. શું અધિકારીઓની આમાં મુકસંમતિ તો નથી ને.? કારણકે લોક મૂકે ચાલતી ચર્ચાઓ મુજબ આવા અસંખ્ય કેશો હાલમાં મહેસુલ ખાતામાં જોવા મળી રહ્યા છે, પરંતુ હોતા હે ચલતા હૈ નીતિ અપનાવી હજી સુધી આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં ન આવતા સરકારી સિસ્ટમને ખોખલું કરનાર તેમજ સરકારની તિજોરી ને ચૂનો ચોપડી ખેતરપિંડી કરનાર ઇસમોને મોકળું મેદાન મળી રહ્યો હોય તેમ હાલના તબક્કે લાગી રહ્યો છે. પરંતુ ઇતિહાસમાં પણ ઘણા બધા ભડવીરો પેદા થયા છે. જેઓએ સડેલી સિસ્ટમમાં પડેલી ભ્રષ્ટાચારરૂપી જીવાતોને જળમૂળમાંથી ઉખેડી કાયદો અને કાનુન વ્યવસ્થાનું ભાન કરાવ્યું છે. ત્યારે આવા કોઈ સક્ષમ અધિકારી દ્વારા આવા તત્વો સામે કાર્યવાહીનું બીગુલ વગાડી સીમા ચિન્હરૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવે તો મસમોટા ભોપાળા બહાર આવે અને સરકારી કચેરીઓના પટાંગણમાં દિવસ રાત અડીંગો જમાવીને બેસેલા આવા તત્વો ચોક્કસથી જેલના સલાખોની પાછળ ધકેલાઈ જાય તેમાં કોઈ બેમત નથી. અત્રે ઉલ્લેખની છે કે આમ તો સરકારની રેવન્યુ તરીકે ગણાતી મહત્વની કચેરીઓમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે પરંતુ કોઈક કારણોસર અથવા ષડયંત્રરૂપી મેલા મંત્રાવટીની ભૂમિકા અદા કરનાર તત્વોના લીધે લાખો રૂપિયાના ખર્ચે ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરા માત્રને માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. જો આવી મહત્વપૂર્ણ ગણાતી કચેરીઓમાં લાગેલા સીસીટીવી કેમેરા શું વ્યવસ્થિત રીતે 24 કલાક રેકોર્ડિંગની સાથે ચાલુ કરવામાં આવે તો અત્રેની કચેરીઓમાં સંચાલન અને કાર્યવાહી સુપેરે થાય તેમાં પણ કોઈ બેમત નથી. ત્યારે દાહોદ જીલ્લામાં તેમજ ખાસ કરીને દાહોદ તાલુકા અને શહેરમાં 2016 થી 2018-19 દરમિયાન થયેલા બિનખેતીના હુકમોની ફેર તપાસણી કરવામાં આવે તાલુકા મારફતે જે જમીનો બિનખેતી કરવામાં આવી છે તે જમીનો પ્રીમિયમ પાત્ર હોવા છતાં બારોબાર પ્રીમિયમ ઉડાવી દીધા હોવાનું મસમોટો કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ નકારી શકાતી નથી. ત્યારે તાલુકા પંચાયત થકી થયેલા બિનખેતીના હુકમો અને જમીનોના કૌભાંડ પર બહાર આવવાની પ્રબળ આશંકાઓ પણ સિવાય રહી છે.