
- લોકોએ ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર ફોક્સ કરવું જોઈએ.
નવીદિલ્હી,ભારતે વર્ષ ૨૦૨૭ સુધીમાં ડીઝલ ગાડીઓ પર સંપૂર્ણ રીતે પ્રતિંબધ લગાવી દેવો જોઈએ અને ડીઝલ ગાડીઓની જગ્યાએ લોકોએ ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર ફોક્સ કરવું જોઈએ. આ સૂચન પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એક પેનલે સરકારને આપ્યું છે. પેનલે શહેરોની વસ્તી મુજબ ડીઝલ વાહનો પરપ પ્રતિબંધ લગાવવાનો પ્લાન બનાવ્યો છે.
ભારતે વર્ષ ૨૦૨૭ સુધીમાં ડીઝલ ગાડીઓ પર સંપૂર્ણ રીતે પ્રતિંબધ લગાવી દેવો જોઈએ અને ડીઝલ ગાડીઓની જગ્યાએ લોકોએ ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર ફોક્સ કરવું જોઈએ. આ સૂચન પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એક પેનલે સરકારને આપ્યું છે. પેનલે શહેરોની વસ્તી મુજબ ડીઝલ વાહનો પરપ પ્રતિબંધ લગાવવાનો પ્લાન બનાવ્યો છે. જે મુજબ દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર સ્વિચ કરવું જોઈએ. કારણ કે આવા શહેરોમાં સતત પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એક પેનલ ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની ભલામણ કરી રહી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત ગ્રીનહાઉસ ગેસોના સૌથી મોટા ઉત્સર્જકોમાંથી એક છે. સેંકડો પાનાના આ રિપોર્ટમાં ભારતના એનર્જી ટ્રાન્ઝિશનનો આખો પ્લાન જણાવવામાં આવ્યો છે.
આ રિપોર્ટ મુજબ ભારત આગામી ૨૦૭૦ના શુદ્ધ શૂન્ય લક્ષ્યને પ્રાપ્ત કરવાના પોતાના લક્ષ્યાંક પર ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ આ માટે કેટલીક ખાસ તૈયારીઓ કરવાની જરૂર છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આગામી ૨૦૨૪થી સિટી ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ પણ ડીઝલ બસ જોડવી જોઈએ નહીં અને ૨૦૩૦ સુધીમાં ઈલેક્ટ્રિક ન હોય એવી કોઈ પણ સિટી બસને સામેલ કરવી જોઈએ નહીં.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત મોટા પાયે ઉર્જા આયાત પર નિર્ભર રહી શકે નહીં અને તેણે પોતાના સ્વયંના સ્ત્રોતોનો વિકાસ કરવો જોઈએ. ભારતના પ્રાથમિક ઉર્જા સ્ત્રોત કોલસો, ઓઈલ, પ્રાકૃતિક ગેસ અને પરમાણુ છે. જો કે બાયોમાસ એનર્જીનો એક અન્ય સ્ત્રોત છે, પરંતુ તેનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. કોલસો ગ્રિડ વીજળીના ઉત્પાદન માટે પ્રાથમિક ઉર્જા સ્ત્રોત છે અને તેનો ઉપયોગ સ્ટીલ અને સીમેન્ટ જેવા ભારે ઊદ્યોગો દ્વારા કરાય છે. જો કે કોલસો ભારતમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરંતુ હજુ પણ દેશમાં ઓઈલ અને ગેસના ભંડારની શોધ થવાની બાકી છે.
આ રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે આગામી ૨૦૨૭ સુધીમાં દેશમાં એવા શહેરો કે જ્યાં વસ્તી ૧૦ લાખથી વધુ છે કે પછી જે શહેરોમાં પ્રદૂષણનું સ્તર વધુ છે ત્યાં ડીઝલ વાહનો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. આ ઉપરાંત ૨૦૩૦ સુધીમાં સિટી ટ્રાન્સપોર્ટમાં ફક્ત એવી બસોને સામેલ કરવી જોઈએ જે ઈલેક્ટ્રિક હોય. પેસેન્જર કાર અને ટેક્સી વાહન ૫૦ ટકા પેટ્રોલ અને ૫૦ ટકા ઈલેક્ટ્રિક હોવી જોઈએ. જણાવવામાં આવી રહ્યું છે કે ૨૦૩૦ સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ એક કરોડ યુનિટ પ્રતિ વર્ષનો આંકડો પાર કરી લેશે.
દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા માટે રિપોર્ટમાં કહેવાયું છે કે સરકારે ૩૧ માર્ચથી આગળ માટે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ્સ સ્કીમ હેઠળ અપાયેલા પ્રોત્સાહન પણ વિચાર કરવો જોઈએ. ભારતમાં લાંબા અંતરની બસોને ઈલેક્ટ્રિફાઈડ કરવી પડશે, જો કે હાલ ગેસને ૧૦-૧૫ વર્ષો માટે ઈંધણ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે.
ભારતમાં ડીઝલનો વપરાશ ખુબ વધુ રહ્યો છે. ડીઝલ હાલ ભારતમાં પેટ્રોલીયમ ઉત્પાદનોના વપરાશનો લગભગ ૪૦ ટકા ભાગ છે. ડીઝલનો વપરાશ ૨૦૧૧માં ૬૦.૦૧ એમએમટીથી વધીને ૨૦૧૯માં ૮૩.૫૩ એમએમટી થઈ ગયો હતો. જો કે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોના મહામારી અને ટ્રાન્સપોર્ટેશનમાં આવેલી કમીના પગલે વપરાશ ક્રમશ ૮૨.૬૦ અને ૭૨.૭૧ એમએમટી રહ્યો. નાણાકીય વર્ષ ૨૦૨૩માં ૭૯.૩ મિલિયન સુધી પહોંચવાની આશા છે. પેસેન્જર વાહનોમાં લગભગ ૧૬.૫ ટકા ડીઝલ વપરાય છે. જે ૨૦૧૩ના ૨૮.૫ ટકાની સરખામણીએ ખુબ ઓછું થયું છે.