- દાહોદના નગરાળાના નકલી બિનખેતી હુકમ પ્રકરણમાં જમીન માલિક ઝકરીયા ટેલર અને વગદાર બિલ્ડર શૈષવ પરીખના વધુ બે દિવસોના પોલીસ રિમાન્ડ મંજૂર !
દાહોદ, દાહોદ શહેરના નગરાલા પાસે આવેલ ત્રણ સર્વે નંબરોની કરોડો રૂપિયાની ખેતીની જમીનોને સરકારના કરોડો રૂપિયાની પ્રિમિયમની ચોરી કરીને બિનખેતીમાં ફેરવી દેવાના ગોઠવાયેલા કારસામાં અંતે દાહોદ પોલીસ મથકમાં ગુનો નોધાતા વેંત આરોપી બની ગયેલા આ જમીન માલિક ઝકરીયા મહેમુદભાઈ ટેલર અને દાહોદ જીલ્લા પંચાયત કચેરીના નામનો બોગસ બીનખેતીનો હુકમ બનાવનાર શૈષવ પરીખ આ બંને આરોપીઓના આજરોજ ત્રણ દિવસોના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ આ ગુનાની તપાસ કરી રહેલા દાહોદના ડી.વાય.એસ.પી.જે.પી.ભંડારી દ્વારા આ બંને આરોપીઓને અદાલત સમક્ષ હાજર કરીને આ ગુનામાં અન્ય આરોપીઓ સંદર્ભમાં અને ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરવાના વિ. મહત્વના કારણોસર વધુ પોલીસ રિમાન્ડની માંગણી કરતા દાહોદ અદાલત દ્વારા આ બંને આરોપીઓ ઝકરીયા ટેલર અને શહેરના વગદાર બિલ્ડર અને જમીન દલાલ શૈષવ પરીખ ના વધુ બે દિવસોના પોલીસ રિમાન્ડ મંજૂર કરતા હવે વધુ ચોકાવનારી વિગતો બહાર આવવાની સંભાવનાઓ છે.
દાહોદ કસ્બાની અને શહેર ફરતે આવેલ પ્રીમિયમને પાત્ર નવી શરતની 73એએ નિયંત્રણ સત્તા પ્રકારની કે ગણોધારાની ખેતીની જમીનોમાં સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરીને સાથે વાત થઈ ગઈ છે, લાખ્ખો થી લઈને કરોડો સુધીના સોદાઓ કર્યા બાદ જે તે સરકારી કચેરીઓના નામોના બોગસ બિનખેતીના હુકમો તૈયાર કર્યા બાદ બારોબાર દાહોદ સીટી સર્વે કચેરીમાં રેકોર્ડ ઉપર આ બોગસ બીનખેતીના હુકમના આધારે પ્રોપર્ટી કાર્ડ તૈયાર કર્યા બાદ એના આધારે વેચાણ દસ્તાવેજો કરી આપવાના બહુચર્ચિત સંખ્યાબંધ પ્રકરણોની અત્યાર સુધી માત્ર ચર્ચાઓ હતી. પરંતુ દાહોદના ઇતિહાસમાં સૌ-પ્રથમ વખત નગરાણા અને રળીયાતી જમીન પ્રકરણો સામે ગુનો દાખલ થતા વેત જે તે સરકારી કચેરીઓના બોગસ બીનખેતી હુકમો બનાવવામાં માસ્ટર માઈન્ડ કરતુંકોના દાહોદના સ્વ-ઘોષિત વગદાર કહેવાતા શૈષવ પરીખની સંડોવણીઓ બહાર આવતા રાજકીય અને વહીવટી તંત્રમાં પણ ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. જોકે, નગરાલા પાસે આવેલા આ ત્રણ સર્વે નંબરોની ખેતીની જમીનોમાં સરકારના પ્રીમિયમના નાણાંની ચોરી કરવાના ગોઠવાયેલા કારસાઓમાં દાહોદ પ્રાંત કચેરી દ્વારા આ જમીન માંથી નવી શરતનો સત્તા પ્રકાર દૂર કરતા 2015 ના સંદિગ્ધ હુકમનો આધાર લઈને 2018માં દાહોદ જીલ્લા પંચાયતના બિન ખેતીના હુકમનો ઉપયોગ કરાયો અને આ સાંઈસીટી સ્કીમના પ્લોટોના વેચાણ દસ્તાવેજો કરાવ્યા બાદ આ કાંડનો પર્દાફાશ થાય આ પહેલા આ બિનખેતીના પ્લોટીંગની જમીન આપોઆપ ખેતીમાં ફેરવાઈ ગઈ અને સલગ્ન વહીવટી તંત્રને ગંધ શુદ્ધાના આવી આ અભેદ રહસ્યોના જવાબો માત્ર શૈષવ પરીખ જ આપી શકે એમ છે..
શૈષવ ના સહ ભાગીદારને પોલીસ શોધવા આવી રહી હોવાની ખબરો સાથે ભાગવા જતા પગમાં ફેક્ચર થયું હોવાની ગરમ ચર્ચાઓ !
દાહોદ શહેર ના નગરાળા અને રળીયાતી જમીન પ્રકરણોમાં બોગસ ખેતી હુકમો બનાવવાના પ્રકરણોમાં શૈષવ પરીખની મોડી રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની ખબરો સાથે શૈષવના કહેવાતા ભાગીદારો અને રાજકીય આકાઓ સ્તબ્ધ બનીને દોડાદોડ કરી મૂકી હતી. આ ઘટનાક્રમ વચ્ચે શૈષવના કહેવાતા ભાગીદાર કે જે દાહોદને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો ઉપર બેસીને ગોરખધંધાઓની કમાણીને દાહોદમાં જમીનોમાં રોકાણો કરનાર કહેવાતા એ ભાગીદારે શૈષવના કારનામાઓ છુપાવવા અગર તો પોતાના કરતુકો છુપાવવા માટે કેટલીક જમીનો સંદર્ભોની ફાઈલો ગુમ કરવાનો કારસો ધડયો હશે કે શૈષવની પૂછપરછમાં આ સંદિગ્ધ નામ બહાર આવ્યા બાદ કહેવાતા આ ભાગીદારને શોધવા પોલીસ આવી રહી હોવાની ખબર વચ્ચે રાત્રિના અંધકારમાં ભાગવા જતા આ ભાગીદાર ખૂબ ખરાબ રીતે જમીન ઉપર પટકાતા પગમાં ફેક્ચર થઈ ગયું હોવાની આંતરિક ચર્ચાઓમાં ઇજાગ્રસ્ત ભાગીદાર ઇન્દોરની કોઈ હોસ્પિટલમાં ઓળખ છુપાવીને સારવાર લઈ રહ્યો હોવાની સ્ફોટક ચર્ચાઓ છે. એમાં પણ સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરીને ખેતીની જમીનોને બિનખેતીમાં ફેરવી દેનારા અંદાજે 30 જેટલા જમીન માલિકોએ શૈષવ પરીખની ધરપકડ બાદ રાજસ્થાનના એક ગામમાં ચાલ્યા ગયા હોવાનું કહેવાય છે.