નવીદિલ્હી, દુનિયાની નજર આ વર્ષે ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ પર ટકેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૫ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે.
જો કે એશિયા કપને લઈને બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. આ દરમિયાન પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે પાકિસ્તાની અને ભારતીય ક્રિકેટરો વચ્ચેના સંબંધો પર વાત કરી છે. તેણે કહ્યું- ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે. ભૂતકાળમાં, અમે ઘણીવાર એકબીજા સાથે રમતા હતા, જેનાથી ખેલાડીઓ વચ્ચેના સંબંધોમાં સુધારો થયો.
બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે ભારતે ૨૦૦૮થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. હરીફો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી ૨૦૧૨માં થઈ હતી, જ્યારે પાકિસ્તાને મર્યાદિત ઓવરોની મેચો માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. આટલા વર્ષોમાં બંને દેશો માત્ર આઇસીસી અને એસીસી ઈવેન્ટ્સમાં જ એકબીજાનો સામનો કરતા આવ્યા છે. સરફરાઝે આશા વ્યક્ત કરી કે પાકિસ્તાન ફરી એકવાર મેગા ઈવેન્ટમાં ટ્રોફી જીતશે. તેણે કહ્યું- ૨૦૧૭માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી એ તમામ ખેલાડીઓ માટે શાનદાર ક્ષણ હતી. મને આશા છે કે નજીકના ભવિષ્યમાં અમે બીજી મેગા ઇવેન્ટ જીતીશું.
જમણા હાથના બેટ્સમેને પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર મોઈન ખાન અને ભારતના દિગ્ગજ એમએસ ધોનીની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું- જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે મોઈન ખાન મારો આદર્શ હતો. એમએસ ધોની આજકાલ વિશ્ર્વભરના ઘણા ક્રિકેટરો માટે પ્રેરણાોત છે. તેણે તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી યાદગાર પળો વિશે પણ વાત કરી. તેણે કહ્યું- અંડર-૧૯ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી મારી કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણોમાંથી એક છે.સરફરાઝ પાકિસ્તાનના સફળ કેપ્ટનોમાંનો એક છે અને તેણે ૨૦૧૬ થી ૨૦૧૯ સુધી આ ભૂમિકા નિભાવી હતી. તેની કપ્તાની હેઠળ પાકિસ્તાને ૨૦૧૭માં તેની પ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ઉપરાંત, તેણે સતત ૧૧ ટી ૨૦ શ્રેણી જીતવા માટે પાકિસ્તાનનું નેતૃત્વ કર્યું.