સરધારા સાથેના મારામારી કેસમાં PI પાદરિયા સામે મોટી કાર્યવાહી : રાજ્ય પોલીસવડાની સૂચનાથી PI પાદરિયા સસ્પેન્ડ, હત્યાની કોશિષનો નોંધાયો હતો ગુનો

ગત 25 નવેમ્બરની રાત્રે રાજકોટના કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં એક લગ્નપ્રસંગ યોજાયો હતો. આ લગ્નમાં રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને PI સંજય પાદરિયા વચ્ચે મારામારી થઈ હતી. જેને પગલે PI સંજય પાદરિયા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. જૂનાગઢ SRPના PI એવા સંજય પાદરિયાને રાજ્ય પોલીસ વડાની સૂચનાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જોકે 26 નવેમ્બરની સાંજે આ ઘટનાને નવો વળાંક આપે એવા CCTV ફૂટેજ સામે આવ્યા હતા. આ CCTVમાં જોવા મળે છે કે, કોઈ બાબતને લઈને જયંતી સરધારા સતત PI સંજય પાદરિયાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યાર બાદ આ સમયે હાજર લોકો મામલો ઠંડો કરવા લાગ્યા અને PI સંજય પાદરિયાએ ત્યાંથી નીકળી જવાનું પસંદ કર્યું, જોકે જયંતી સરધારાએ તેનો હાથ પકડી રોક્યા અને પછી કોલર પકડી લીધો અને અંતે PI પાદરિયાને લાત પણ મારી લીધી. ત્યાર બાદ પાર્ટી પ્લોટ બહાર PI પાદરિયાએ જયંતી સરધારાને માર માર્યો હતો. આમ, જયંતી સરધારા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે એનાથી તદ્દન વિપરીત આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે.

જયંતી સરધારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.25ના રોજ તેના મિત્ર રમેશભાઇના પુત્રના લગ્નમાં હાજરી આપવા મવડી-કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટમાં ગયા હતા ત્યારે અન્ય મિત્રો સાથે વાતચીત કરતા હતા ત્યારે એક શખ્સ આવેલ અને મને કહ્યું કે, હું સંજયભાઇ પાદરિયા પીઆઇ છું અને જૂનાગઢ એસઆરપી રિજિયનમાં છું અને તું સમાજનો ગદ્દાર છો, આવું કહી મને મારવાની કોશિશ કરવા જતા અન્ય લોકોએ વચ્ચે પડી અને ઝઘડો અટકાવ્યો હતો.

ત્યાર બાદ સંજય પાદરિયાએ કહ્યું કે, હું નરેશભાઇ પટેલની સક્રિય ટીમમાં છું અને તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે. જેથી હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી. બાદ આ સંજય પાદરિયા ત્યાંથી જતા રહ્યો તેમજ જયંતીભાઇ પણ ફંક્શન પૂર્ણ કરી કાર લઇને ઘેર જવા નીકળતા હતા ત્યારે કાર આંતરી પાદરિયાએ કાર બહાર આવવા માટે કહેતા તે બહાર નીકળતા જ સંજયએ તેની પાસે પિસ્તોલ જેવા હથિયાર વડે હુમલો કરી માથામાં માર માર્યો હતો.

જ્યારથી સરદારધામની શરૂઆત થઈ ત્યારથી બન્ને સંસ્થા વચ્ચેની કડવાશ વધવા લાગી અને સમય જતાં બન્ને સંસ્થાના ટ્રસ્ટી સ્ટેજ શેર કરવાથી પણ બચે છે. સમાજ અને એકતા માટે કામ કરવા બનેલી આ બન્ને સંસ્થાના ટ્રસ્ટીઓ વચ્ચે એકતા ન હોવાની લેઉવા પાટીદારોમાં પણ ચર્ચા જાગી છે.ખોડલધામ અને સરદારધામમાં હવે ફંડ મુખ્ય મુદ્દો બની રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક એને લઈને વિવાદ સપાટી પર આવવા લાગ્યો છે. આ વિવાદના મૂળમાં ખોડલધામને મળતું ફંડ સરદારધામમાં ડાઇવર્ટ થતું હોવાથી બન્ને સંસ્થા વચ્ચે કડવાશ આવી ગઈ.

ખોડલધામ અને સરદારધામ સંસ્થાના 60 ટકા ટ્રસ્ટીઓ એક જ છે, પરંતુ સરદારધામમાં ફંડ વધવાથી ખોડલધામને આર્થિક ફટકો પડવા લાગ્યો છે. ગતરાત્રે (25 નવેમ્બર, 2024) જે ઘટના બની એના મૂળમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના જયંતી સરધારાનો બફાટ ભારે પડી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

ત્યાર બાદ PI પાદરિયા સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારાની રાહ જોઈને બહાર જ ઊભા હતા. પોલીસ ફરિયાદ મુજબ, પાર્ટી પ્લોટની બહાર જ PI પાદરિયાએ સરદારધામના ઉપપ્રમુખ અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ સરધારાને “હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી, કહી પિસ્તોલ જેવું હથિયાર માથામાં મારી દીધું હતું. સરદારધામમાં ટ્રસ્ટીઓ થોડા વગવાળા છે અને સરકારમાં પણ તેમનું ઊપજે છે, જેથી PI પાદરિયા સામે તાત્કાલિક 307નો ગુનો પણ દાખલ દેવામાં આવ્યો છે.