સરદારધામના ઉપપ્રમુખની હત્યાની કોશિશ : PI પાદરિયાએ મને કહ્યું, નરેશભાઈ સાથે નક્કી થયું છે, જે સરદારધામમાં ઝનૂનથી કામ કરશે તેને મારી નાખીશું

રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા પર જૂનાગઢના PI સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવતાં ચકચાર મચી છે. હુમલામાં ઘાયલ થયેલા જયંતીભાઈ સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલો કરાયા હોવાનો આક્ષેપ કરાતા મામલો વધુ ગરમાયો છે. તો બીજી તરફ ઘટના બન્યાના 10 કલાક બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કહેવાયું છે કે, આવી બાબતમાં નરેશ પટેલનું નામ લેવું વાજબી નથી. આ સમગ્ર મામલે એક તરફ સામાસામા આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ જયંતીભાઈ સરધારા પર હુમલો કરનાર PI સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત પોલીસ માટે વધુ એક કલંકિત ઘટના સામે આવી છે. જૂનાગઢ એસઆરપી રિજિયન PI સંજય પાદરિયા સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રિના સમયે કણકોટ મવડી રોડ પર એક પ્રસંગમાં પાર્ટી પ્લોટ બહાર જ PI પાદરિયાએ સરદારધામના ઉપપ્રમુખ અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ સરધારાને “હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી કહી પિસ્તોલ જેવું હથિયાર માથામાં મારી હોવાનો FIRમાં ઉલ્લેખ કરાયો છે.

રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારાએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે ગઈકાલે હું એક પ્રસંગમાં કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટ ખાતે ગયો હતો. જ્યાં PI સંજય પાદરિયા પણ હાજર હતો. હું ત્યાં પહોંચ્યો એટલે PI પાદરિયાએ મને સાઈડમાં લઇ જઈ એવું કહ્યું કે, તું સમાજનો ગદ્દાર છે. તેં સરદારધામમાં ઉપપ્રમુખનો ચાર્જ કેમ લીધો? નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ. આવું કહી મારા ઉપર હુમલો કર્યો હતો અને હું પડી જતા મને ફરી ઢીકાપાટુનો માર માર્યો હતો.

સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા પર હુમલાની ઘટના મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ જ વિવાદ નથી. અમારા પ્રમુખ નરેશ પટેલ હાલ વિદેશ પ્રવાસ પર છે અને તેમને પણ આ ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું છે. નરેશભાઈ પટેલ રાજકોટ આવીને સમાજના અગ્રણીઓ અને જયંતીભાઈ સરધારાને પણ મળશે. નરેશ પટેલની સંડોવણી આવી ઘટનાઓમાં હોઈ જ ન શકે. બંન્નેનો અંગત બાબતમાં ઝઘડો થયો છે. ખોડલધામ સંસ્થાને આ ઘટનામાં કઈ જ લેવાદેવા નથી. ખોડલધામ અને સરદારધામ બંને સેવાકીય સંસ્થા છે. નરેશ પટેલ કોઈના દુઃખમાં સહભાગી બને છે, આવી બાબતમાં તેમનું નામ લેવું વાજબી પણ નથી.

ખોડલધામના પ્રથમ મહિલા ટ્રસ્ટી અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિલા બાંભણિયાએ કહ્યું હતું કે, હું ખોડલધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું. સરદારધામની ટ્રસ્ટી પણ છું અને સરદાર ધામની સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ પણ છું. હું એટલું કહેવા માગુ છું કે, સરદારધામ પાંચ લક્ષ્યબિંદુ પર કામ કરે છે એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરીંગ કોલેજ સામે સરકારી જમીન વેચાતી લીધી છે અને 15 ડિસેમ્બરે ભૂમિપૂજન કરવાના છે. તેના અનુસંધાને જુદાજુદા કાર્યક્રમ થતા હોય છે. સરદારધામ ક્યારેય કોઈ સંસ્થા પર વેરભાવ કે ઝઘડા હોતા નથી.એટલે એ વાત હું સ્વીકારતી નથી. હું એટલું જ કહેવા માગુ છું કે, આ રોડમેપમાં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજસેવા કરતા નીકળવા બંધ થઈ જશે. મારી સરકારને અપીલ છે કે, આવા હુમલાખોરો જે હોય જેનો વાંક હોય તેને સખત સજા મળવી જોઈએ. સસ્પેન્ડ કરવા જોઈએ. જેથી આવા વારે તહેવારે થતા હુમલા ન થાય. સંજય પાદરિયા અંગે કહ્યું હતું કે, પાદરીયા સાહેબ વિશે હું એટલું કહું છું કે, નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કહે એટલું કરે એવા માણસ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તે આરોપી પાદરિયાએ મને સરદારધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે તેમ કહીં અપશબ્દો આપી માથાના ભાગે પિસ્તોલ જેવા કોઇ હથિયાર વડે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે હાલ રાજકોટ તાલુકા પોલીસે બી.એન.એસ. કલમ 109 (1),115(2),118(1) 352, 351(3), તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી એસીપી બી.જે.ચૌધરી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હજુ સુધી PI પાદરિયાની ધરપકડ બાકી ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે જયંતીભાઈ સરધારાની PI પાદરિયા અગાઉથી રાહ જુએ છે અને તેમના આવતાની સાથે જ તેમને ગાડીમાંથી બહાર બોલાવી ગાડી પાછળ લઇ જઇ પછી તેના પર હુમલો કરે છે. જો કે આ મામલે હજુ સુધી PI પાદરિયાની ધરપકડ કરવામાં આવી નથી.

જયંતીભાઈ સરધારાએ જણાવ્યું હતું કે તેઓ મને અવારનવાર ધમકી આપે છે. હું માત્ર મારી સેવાકીય પ્રવૃત્તિમાં જ ધ્યાન આપું છું. અને સેવકાર્યો માટે હું ખોડલધામમાં પણ જાઉં છું. મને કહ્યું કે જાનથી મારી નાખીશ, તું સરદારધામમાંથી રાજીનામું આપી દે. એવું પણ કહે છે કે તમે કડવા પટેલના ખોળે બેસી ગયા છો. અને તમને ભાજપની હવા છે. હું તો એવું ઇચ્છતો હતો કે, બંને સંપીને સેવાકીય કાર્યો કરે. મારા માથે રિવોલ્વરનો પાછળનો ભાગ માર્યો પછી રિવોલ્વર માથે મૂકીને કહ્યું કે મારી નાખીશ તો આટલી વાર લાગશે. ત્યાં બે લોકો આવી ગયા હતા. ખોડલધામને સરદારધામ ગમતું નથી તેવું સ્પષ્ટ લાગે છે. મને કહ્યું કે તું હમણાં બહુ હાઇલાઇટ થઈ રહ્યો છે. અમે નક્કી કર્યું છે કે તને મારી જ નાખવો છે. તેણે મને કહ્યું હતું કે મેં અને નારેશભાઈએ નક્કી કર્યું છે કે તને મારી નાખવો છે. એટલે તેણે નરેશભાઈના ઈશારે જ હુમલો કર્યો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.