ગાંધીનગર, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં ફરીએકવાર વધારો થયો છે જોકે હાલ પૂરતું પૂરનું કોઈ સંકટ ન હોવાના કારણે તંત્ર અને ડેમના ડાઉન સ્ટ્રિમના લોકો માટે આ રાહતના સમાચાર છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટીમાં વધારો થયો છે અને ૩ ગેટ ખોલવામાં આવ્યા છે.
તાજેતરમાં નર્મદા ડેમમાં અચાનક પાણીની આવક ખુબ વધવાના કારણે ૧૮.૫૦ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીના ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવ્યું હતું. આ પાણીના પ્રવાહે ભરૂચમાં વિનાશક પૂર સર્જ્યું હતું જેમાં બે શહેર અને સેંકડો ગામડાઓના લોકોને ભારે નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ઘરવખરી અને ખેતીમાં કરોડો રૂપિયાના નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો.
ફરી ઉપરવાસમાંથી પાણી ની આવક વધી છે. ડેમમાં ઉપરવાસમાંથી ૧,૨૨,૭૨૯ ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે. ચિંતાજનક સ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે માટે નર્મદા ડેમ ના ૩ ગેટ ફરી ખોલાયા છે. ડેમમાંથી નર્મદા નદીમાં ૭૧,૦૫૫ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. નર્મદાનો પટ વિશાલ હોવાના કારણે આ પાણી કોઈ ચિંતાજનક સ્થિતિનું સર્જન કરશે નહીં.
નર્મદા ડેમ ૯૯ ટકા ભરાયો છે. હાલ નર્મદા ડેમ ની સપાટી ૧૩૮.૫૫ મીટરે પહોંચી છે. ડેમ ની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે તો પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં પૂરની કોઈ ચિંતા રહેશે નહીં.