સરળતાથી જીતી શકાય એવી ૧૩૫ બેઠકો માટે કોંગ્રેસનો જોરદાર પ્લાન, વૉર રુમ કર્યા એક્ટિવ

નવીદિલ્હી, ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્રણ તબક્કાનું મતદાન હજુ બાકી છે. ભાજપ ગત ચુંટણીઓની સરખામણીમાં આ વખતે વધુ બેઠકો મેળવવાનો દાવો કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસનું ધ્યાન વધુમાં વધુ બેઠકો પર જીત મેળવવા પર છે. આ માટે તેણે એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ ચુંટણીમાં કોંગ્રેસનો વોર રૂમ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેના પર કોંગ્રેસ નેતૃત્વની રેલીઓ, પ્રેસ કોન્ફરન્સ, અખબારોની હેડલાઈન, ડીજીટલ પ્રચાર પ્રસાર, સોશિયલ મીડિયા અને સર્વે જેવા કામકાજનો ભાર છે.

આ તમામ બાબતોમાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે લોક્સભાની ૧૩૦ બેઠકો, જેને કોંગ્રેસે પ્રાથમિક્તા આપી રાખી છે. આ બેઠકો પર કોંગ્રેસે તમામ સંસાધનો કામે લગાવ્યા છે. પક્ષને આશા છે કે ૩૨૬ લોક્સભા બેઠકો પરથી એ કેટેગરીની ૧૩૫ બેઠકો એવી છે જેને તે સરળતાથી જીતી શકે છે. આ બેઠકો પર જાતિગત સમીકરણ, ઉમેદવાર, અનામત અને સંવિધાન જેવા મુદ્દા અસરકારક બની શકે છે.

વોર રૂમ સમયાંતરે સરવે કરે છે. ત્યારબાદ કોંગ્રેસ નેતૃત્વ અને ઉમેદવારને તેની માહિતી પહોંચાડવામાં આવે છે. વોર રૂમનું કામ ઘણા વિભાગમાં વહેચવામાં આવ્યું છે. એક ટીમ સમગ્ર સોશિયલ મીડિયા સંભાળે છે. બીજી ટીમ વર્તમાન પત્રોમાં પ્રકાશિત થતા સમાચારની માહિતી એકત્ર કરીને તેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરે છે.

આ ઉપરાંત ટોચના નેતૃત્વની રેલીની માંગ કરનારા ઉમેદવારોની જાણકારી વોર રૂમ નેતાઓને આપે છે . સુનીલ કોનુગોલુના સરવેમાં તે બેઠકની સમીક્ષા બાદ કાર્યક્રમ નક્કી થાય છે, આ ઉપરાંત સોશિયલ મીડિયાની ટીમ કોંગ્રેસના પ્રચાર પ્રસાર માટે બનેલા વિડીયો મોટા નેતાઓ સુધી પહોંચાડે છે જેથી તેઓ તે વિડીયોને પોતાના સોશિયલ મીડિયા પર મૂકી શકે.

અન્ય ટીમ કોંગ્રેસના નેતાઓની પ્રેસ કોન્ફરન્સનું કામ કરે છે. કયા નેતાની,કયા મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ થશે તે નક્કી વોર રૂમની ટીમ જ કરે છે. શરૂઆતમાં વોર રૂમની જવાબદારી તામીલનાડુના નેતા સેંથિલને આપવામાં આવી હતી. બાદમાં તેમને લોક્સભા ચુંટણીના ઉમેદવાર બનાવી દેવાયા હતા.