સપ્તાહના પ્રથમ સત્રમાં એનર્જી શેરોમાં જોરદાર ખરીદારી સાથે શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું

મુંબઇ, સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે સારું રહ્યું. બેન્કિંગ , એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ખરીદીને કારણે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. આજે બજાર ૭૪,૦૦૦ના ઐતિહાસિક આંકડાને સ્પર્શવાથી માત્ર થોડા જ ફૂટ દૂર રહ્યું હતું. આજના કારોબારના અંતે બીએસઇ સેન્સેક્સ ૭૧ પોઈન્ટના નજીવા વધારા સાથે ૭૩,૮૭૯ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨,૪૦૦ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં બેન્કિંગ , પબ્લિક સેક્ટર બેન્ક , ફાર્મા, એનર્જી, ઈન્ફ્રા, કોમોડિટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, આઈટી અને ઓટો શેરો નુક્સાન સાથે બંધ થયા હતા. મિડકેપ શેરોમાં તેજી રહી હતી જ્યારે સ્મોલ કેપ શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૪ વધ્યા અને ૧૬ નુક્સાન સાથે બંધ થયા. નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૨૪ શેર લાભ સાથે અને ૨૬ નુક્સાન સાથે બંધ થયા હતા.

શેરબજારમાં આવેલી તેજીને કારણે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો છે. આજના ટ્રેડિંગમાં, બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. ૩૯૩.૬૮ લાખ કરોડ પર બંધ થયું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૯૨.૨૩ લાખ કરોડ હતું. આજના વેપારમાં માર્કેટ કેપમાં રૂ. ૧.૪૫ લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

આજના ટ્રેડિંગમાં એનટીપીસી ૩.૫૦ ટકા, પાવર ગ્રીડ ૨.૬૩ ટકા, રિલાયન્સ ૧.૦૩ ટકા, એક્સિસ બેન્ક ૦.૯૦ ટકા, ટેક મહિન્દ્રા ૦.૬૪ ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે એમએન્ડએમ ૧.૭૫ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૩૨ ટકા, ટાટા સ્ટીલ ૧.૩૨ ટકા,આઇટીસી ૦.૭૫ ટકા,ટીસીએસ ૦.૬૨ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.