સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિ રૂચિરા કંબોજની નિવૃત્તિ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ મહિલા કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજ નિવૃત્ત થયા. રૂચિરા ૨ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ન્યૂયોર્કમાં ભારતની કાયમી પ્રતિનિધિ બન્યા હતા. તેઓ ૩૫ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા છે. આ સમયગાળા દરમિયાન તેમણે ભૂટાન, દક્ષિણ આફ્રિકા અને યુનેસ્કોમાં ભારતીય રાજદૂત તરીકે કામ કર્યું હતું. કંબોજ ૧૯૮૭ બેચના આઇએફએસ અધિકારી છે. “અસાધારણ વર્ષો અને અવિસ્મરણીય અનુભવો માટે ભારતનો આભાર,” તેમણે શનિવારે સોશિયલ મીડિયા પર લખ્યું, છેલ્લા બે વર્ષમાં, રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન, કંબોજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચામાં ભારતનું નેતૃત્વ કર્યું.

રૂચિરા કંબોજે ૧૯૮૭ની સિવિલ સવસ પરીક્ષામાં ભારતભરની મહિલાઓમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને તે જ વર્ષની ફોરેન સવસ પરીક્ષામાં પણ ટોપ કર્યું હતું. ૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ, તે ન્યૂયોર્કમાં ભારતની કાયમી પ્રતિનિધિ બન્યા હતા. કંબોજ હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ એમ ત્રણ ભાષાઓના જાણકાર છે. તેમણે ૧૯૮૯ થી ૧૯૯૧ દરમિયાન ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસમાં ત્રીજા સચિવ તરીકે રાજદ્વારી કારકિર્દીની શરૂઆત કરી હતી. ભારતીય મિશનની વેબસાઇટ અનુસાર, ૨૦૦૨ થી ૨૦૦૫ સુધી તે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં કાઉન્સેલર હતી, જ્યાં તેણે યુએન પીસકીપિંગ મિશન, યુએન સિક્યુરિટી કાઉન્સિલ રિફોર્મ્સ, મય પૂર્વ કટોકટી, વગેરેમાં કામ કર્યુ છે.

રૂચિરા કંબોજની શાનદાર કારકિર્દી આટલે સુધી મર્યાદિત ન હતી. તેમણે લંડનમાં કોમનવેલ્થ સચિવાલયમાં સેક્રેટરી-જનરલ ઓફિસના ડેપ્યુટી હેડ તરીકે પણ સેવા આપી છે. ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી, તે ભારતના પ્રોટોકોલ ચીફ હતા, આ પદ સંભાળનાર સરકારમાં પ્રથમ અને એકમાત્ર મહિલા હતા. પેરિસમાં યુનેસ્કોમાં તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન, તેમની પાસે ઘણી સિદ્ધિઓ છે. કંબોજે ભારતીય વિદેશ મંત્રાલયમાં યુરોપ વેસ્ટ ડિવિઝનમાં અન્ડર સેક્રેટરી, મોરેશિયસમાં ભારતીય હાઈ કમિશનમાં પ્રથમ સચિવ અને ભારતીય વિદેશ સેવા કર્મચારી અને કેડર વિભાગમાં નાયબ સચિવ અને ડિરેક્ટર તરીકે સેવા આપી છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે પણ સેવા આપી છે અને તેઓ તેમના શક્તિશાળી ભાષણો અને ભારતના હેતુની સશક્ત રજૂઆત માટે જાણીતા છે.