નાગપુર,
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે શનિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન CJI ચંદ્રચૂડે વિદ્યાર્થીઓને દેશના બંધારણને લઈને ઘણી મહત્વપૂર્ણ અને મોટી વાતો કહી હતી. તેમણે કહ્યું કે, ’મૌન રહેવાથી સમસ્યાનું સમાધાન નથી થઈ શક્તું અને તેના પર ચર્ચા કરવી અને બોલવું જરૂરી છે.
નાગપુરમાં મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવસટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધતા CJI D.Y. ચંદ્રચૂડે કહ્યું કે, બંધારણ એક એવો દસ્તાવેજ છે જે સ્વ-શાસન, ગૌરવ અને સ્વતંત્રતાનો ઉત્પાદ છે અને તે બોલવાની હિંમત આપે છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશે કાયદાના વિદ્યાર્થીઓને બંધારણથી પરિચિત કરાવ્યા હતા. તેમણે કાયદાના વિદ્યાર્થીઓને કહ્યું કે, ’આ ઉમદા વ્યવસાય (કાયદાનો) અપનાવતી વખતે દરેક વ્યક્તિએ ભારતીય બંધારણના મૂલ્યોનું જતન કરવું જોઈએ. સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય લાવવાની જવાબદારી બંધારણે આપી છે તે ભૂલી શકાય તેમ નથી. આપણે આ અધિકારો માટે બોલવું પડશે. એટલું જ નહીં તેમણે યુવા વકીલોને ન્યાયનું લક્ષ્ય હાંસલ કરવા માટે નિર્ભયતાથી પરિવર્તન માટે અવાજ ઉઠાવવા કહ્યું હતું.
બાબાસાહેબ આંબેડકરને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે વિશે બોલતા, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે આજે આપણને જે બંધારણીય અધિકારો અને ઉપાયો આપવામાં આવે છે તેના માટે ભારતના લોકો તેમના ૠણી છે. CJI એ કહ્યું કે કશું કહેવું અથવા ન કરવું એ કદાચ સૌથી વધુ સુરક્ષિત ઓછો જોખમી વિકલ્પ છે પરંતુ વધુ મુશ્કેલ બાદનો વિકલ્પ પસંદ કરવો અને કાયદા અને સમાજ સાથે ન્યાયનું પુનર્ગઠન કરવાનો પ્રયાસ કરવો એ વધુ હિંમતવાન છે.