સંતરામપુર વોર્ડ નં.-4માં ગટરલાઈનના રિપેરીંગમાં કામ અધુરુ છોડી દેતા હાલાકી

સંતરામપુર,સંતરામપુર નગરમાં વોર્ડ નં.-4ના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રસ્તામાં ખોદકામ કરી કામ અધુરુ મુકી દેતા સ્થાનિક રહિશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

સંતરામપુર નગરના વોર્ડ નં.-4ના વિસ્તારના ભુગર્ભ ગટરની ચેમ્બર રોડના વચ્ચે આવેલી હોય અને ત્યાં ગટરો ઉભરાઈ જઈ પાઈપ લીકેજ થતાં નગરપાલિકા દ્વારા એક સપ્તાહ અગાઉ ગટરલાઈન માટે ખોદકામ કરાયુ હતુ. જે માટે રોડનુ ખોદકામ કર્યા બાદ રિપેરીંગ કામ નહિ થતાં હાલ કામ અધુરૂ છોડી દેવાયુ છે. જેથી આ વિસ્તારમાં રોડ ખોદી નાંખતા સમગ્ર વિસ્તારમાં ખાડા ખોદેલા જોવા મળે છે. જેના કારણે રહિશોને ધરની બહાર નીકળવાનુ પણ મુશ્કેલી બની ગયુ છે. ધરના આંગણામાં જ ખાડા ખોદેલા હોવાથી બાળકોને તેમજ વૃદ્ધોને પડી જવાનો પણ ડર રહે છે. રહિશો ધર સુધી વાહન લઈ જઈ શકતા નથી. જેથી વહેલી તકે લાઈનનુ રિપેરીંગ કરાવી રોડને સરખો કરવા માંગ કરાઈ છે.