સંતરામપુર તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનુ લોકાર્પણ

સંતરામપુર, સંતરામપુર તાલુકા પંચાયતની અતિ જર્જરિત 60 વર્ષ જુની બિલ્ડિંગની જગ્યાએ રૂ.2.40કરોડના ખર્ચે સી.ડી.પી.યોજના અંતર્ગત નવીન આધુનિક ભવન બનાવવામાં આવ્યુ છે. જેનુ મહિસાગર જિલ્લાના અને સંતરામપુર તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ, અને ગ્રામજનો, સરપંચો આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયુ હતુ. સંતરામપુર તાલુકામાંથી આવતા ગ્રામજનોને વિવિધ યોજનાની જાણકારી અને યોજનાનો લાભ એક જ જગ્યા પરથી મળી રહેશે.

નવીન તાલુકા પંચાયત ભવન સંતરામપુરના લોકાર્પણ કાર્યક્રમમાં રાજયના આદિજાતી મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર, પંચાયત અને કૃષિ રાજય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, જશવંતસિંહ ભાભોર, સાંસદ દાહોદ મહિસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ દશરથ બારીયા વગેરે હાજર રહ્યા હતા. આદિજાતી મંત્રી કુબેરભાઈ ડિંડોરે કૃષિ મેળા વિશે સમજ આપી હતી. પોષક ધાન્ય બાજરી, જુવાર, રાગી જેવા પાકો તરફ વળવા માટે ખેડુતોને હાકલ કરી હતી. જેનો સીધો લાભ ખેડુતોને સરકાર આપશે. પોષણતમ ભાવે ખરીદ કેન્દ્ર ઉપરથી ખરીદી પણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. પોષક ધાન્યો ભવિષ્યનુ અદ્ભુત અનાજ છે તેની ખેતી તરફ વળવા જણાવ્યુ હતુ. સારૂ શિક્ષણ મેળવી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી સર્વનો સર્વાંગિક વિકાસ થશે તેના માટે દરેકે આગળ વધવુ જોઈએ આગળ વધવા માટે તમામ તકો ઉપલબ્ધ છે. પરંતુ આદિવાસી સમાજને ગુમરાહ કરીને કેટલાક લોકો તેમજ કેટલાક શિક્ષકો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે આદિવાસી સમાજના વિકાસ માટે યોગ્ય નથી તેનો ખુલ્લો વિરોધ કરો, કેટલાક કાર્યકરો તત્વો પોતાના સ્વાર્થ માટે ધાક ધમકી આપે છે જે ચલાવી લેવામાં નહિ આવે આદિવાસી સમાજની મહિલા રાષ્ટ્રપતિ બની છે. આપણામાંથી જ આદિવાસી જશવંતસિંહ ભાભોર સંસદ સભ્ય છે હું ધારાસભ્ય બની શિક્ષણમંત્રી બન્યો છુ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો આદિવાસીઓ છે. અધિકારીઓ-પદાધિકારીઓ આદિવાસીઓ છે. તેમ છતાં કેટલાક સ્વાર્થી તત્વો લોકોને ગુમરાહ કરી રહ્યા છે એવા તત્વોને ખુલ્લા પાડી તેમનો વિરોધ કરો એક સમાજ એક રાષ્ટ્રના વિઝનને આપણે સાર્થક કરીશુ.તો તમામ વિકાસની તકો તેમજ આપણી સલામતી આપણને મળી રહેશે તેવો હુંકાર આ કાર્યક્રમમાં રાજયના શિક્ષણ અને આદિજાતી મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરે કર્યો હતો.