મહીસાગર, મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના બેણદા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તાલુકા રમત સંકુલ ઇન્ડોર મલ્ટીપર્પસ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટસ સંકુલનું ભૂમિ-પૂજન આદિજાતી વિકાસ,પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઇ ડીંડોરના હસ્તે કરાયું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, આ મેદાનમાં તૈયાર થયેલ ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે. આ સંકુલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યમાં રમત ગમતને પ્રોત્સાહન મળે એ માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અંદાજે 07 કરોડના ખર્ચે નવનિર્માણ થનાર આ તાલુકા રમત સંકુલમાં માળખાકીય સુવિધામાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં વહીવટી કચેરી, સ્ટોર રૂમ, લોકર, ટોઇલેટ, ઇલેક્ટ્રિકલ રૂમ, ટેબલ ટેનિસ હોલ, શૂટિંગ રેંજ માટેનો હોલ, મલ્ટીપર્પઝ હોલ, જીમ્નેશિયમ, બેડમિન્ટન કોર્ટ, હાફ બાસ્કેટબોલ કોર્ટ, યોગા, ટેકવાન્ડો અને જુડો તેમજ બાહ્ય રમતના મેદાનોમાં 200 મી. મડી એથ્લેટીક ટ્રેક અને પ્રેકિટસ મેદાન, વોલીબોલ કોર્ટ, ખો-ખો કોર્ટ, કબડ્ડી કોર્ટનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રમત-ગમત ક્ષેત્રે ખેલાડીઓને ઉત્સાહ વધારવાનું કામ કર્યું છે અને આજે ગુજરાત રમત ગમત ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, તાલુકા પંચાયત પ્રમખ હરેશભાઈ વળવાઈ, તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન માલીવાડ , પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, જીલ્લા રમત ગમત અધિકારી,જીલ્લા રમત વિકાસ અધિકારી સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.