સંતરામપુરના તલાદરાના આરોપીએ સગીરાને ભગાડી લઈ યૌનશોષણ કરવાના પોકસો ગુન્હામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી પોકસો કોર્ટ

લુણાવાડા,

સંતરામપુર તાલુકાના આરોપીએ લુણાવાડા તાલુકાની સગીરાનું પટાવી ફોસલાવી ભગાડી જઈ યૌનશોષણ કરેલ આ બાબતે લુણાવાડા પોલીસ મથકે પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંંધાઈ હતી. તે કેસ પોકસો કોર્ટમાં ચાલી જતાં 20 વર્ષથી કેદની સજા ફટકારવામાં આવી.

મહિસાગર જીલ્લાના સંતરામપુરના તલાદરા ગામના આરોપી ઈસમ મહિનભાઈ શંકરભાઈ ખાંટ એ 2021ના વર્ષમાં લુણાવાડા તાલુકાની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ યૌનશોષણ કરેલ હોય આ બાબતે લુણાવાડા પોલીસ મથકે પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. તે કેસ મહિસાગર એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જયવીરસિંહ જે.સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સ્પે.પોકસો જજ મમતાબેન એમ.પટેલ દ્વારા આવા ગુન્હાઓ અટકાવવા માટે દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. જેમાં આરોપી મહિનભાઈ ખાંટને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો અને ભોગ બનનારને કાનુની સેવા સતા મંડળને ત્રણ લાખનું વળતર ચુકવવાનો આદેશ કરાયો.