સંતરામપુરના ઉખરેલી ગામમાં સ્મશાનના અભાવે રોહિત સમાજના ખુલ્લામાં અગ્નિદાહ કરવા મજબુર

લોકો જીવતે જીવ ઐયાસી ભોગવવા આલીશાન મકાનો, લાખો રૂપિયાની મોટર કાર સહીત અઢળક સંપતિ મેળવી સુખી હોવાનો ડોળ કરે છે. પરંતુ લોકો એક દિવસ જ્યાં જીંદગીની છેલ્લી સફર એવા સ્મશાન ગૃહે જવાનું નક્કી હોય તેને ભૂલી જાય છે. આઝાદીના પણ દાયકાઓ વીતી ચૂક્યા છે. ત્યાં સુધી મોટાભાગના ગામડાઓના સ્થાનિકો સ્મશાન ગૃહ તો ઠીક પરંતુ નદી-નાળામાં મૃતક વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા લઈ જતા ડાઘુઓ માટે રસ્તાની પણ સુવિધા કરી શક્યા નથી. તેવીજ પરિસ્થિતિ સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામના રોહિત સમાજના લોકોને પડતી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલ વિગતો મુજબ સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામમાં રોહિત સમાજની સારી એવી સંખ્યામાં વસ્તી આવેલી છે. જેઓ મૃતક વ્યક્તિને ઉખરેલી નદી ઉપર અંતિમ સંસ્કાર આપવા લઈ જાય છે. પરંતુ સ્મશાન ગૃહના અભાવે રોહિત સમાજના મૃતકને કોઈપણ ઋતુ હોય છતાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા પડતા હોય છે. સ્થાનિકોના કહેવા મુજબ રોહિત સમાજ માટે સ્મશાન ગૃહ તથા સ્મશાન ગૃહમાં જવાના રસ્તાની સુવિધા માટે ગ્રામ પંચાયત સત્તાધિશોને અનેક વાર રજૂઆતો કરવા છતાં તે પ્રત્યે ધ્યાન આપવામાં નહીં આવ્યું હોવાનું જાણવા મળે છે.

જેના લીધે સ્મશાન વિધિમાં જતા ડાઘુઓ પારાવાર મુશ્કેલીઓ ભોગવતા આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે ઉખરેલી નદી ખાતે રોહિત સમાજનું સ્મશાન ગૃહ બનાવવામાં આવે તથા ત્યાં અવર-જવર માટે આર.સી.સી રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ઉખરેલી રોહિત સમાજના સભ્યોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.