મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી કયાર ગામે સસ્તા અનાજની દુકાનમાંથી ધઉં-ચોખા સહિતની રૂ.1.56 લાખની ચોરી થતાં સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
સંતરામપુર તાલુકાના સરાડ ગામે રહેતા ઈશ્વરભાઈ રૂમાલભાઈ પારગીની મોટીકયાર ગામે સસ્તા અનાજની દુકાન આવેલી છે. જેમાં તેઓ જાતે બેસે છે. તા.14/08/24ના રોજ બપોરે મોટીકયાર ગામે પંચાયત ફળિયામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ધઉં, ચોખા, બાજરી, ખાંડ, દાળ, ચણા, મીઠું આવ્યુ હતુ. જેનો જથ્થો તેમને દુકાનમાં મુકી સાંજે દુકાન બંધ કરી ધરે ગયા હતા. તા.16/08 થી 17/08 ના રોજ સવારે 12.30 વાગ્યે દુકાને જઈ જોતા દુકાનના શટરને મારેલુ તાળુ નકુચા સાથે તુટેલુ હતુ.
જેથી તેમને ચોરી થયાનુ જણાતા તેમને તાત્કાલિક ગામના માણસો અખમભાઈ કાંતિભાઈ તાવિયાડ, સવજીભાઈ અખમભાઈ તાવિયાડ, કાંતાબેન ભરતભાઈ તાવિયાડ, વસંતીબેન જીવાભાઈ તાવિયાડ, બાબુ અખમભાઈ તાવિયાડ સાથે શટર ઉંચુ કરી દુકાનમાં જઈ ખાતરી કરતા દુકાનમાંથી ધઉં 68 કટ્ટા વજન 3416 કિલો જેની કિ.રૂ.75,152/-, ચોખા 61 કટ્ટા જેનુ વજન 3050 કિલો જેની કિ.રૂ.67,100/-, બાજરીના કટ્ટા 1 વજન 50 કિલો કિ.રૂ.900/-, ખાંડ 83 કિલો કિ.રૂ.1245/-, તુવેરની દાળ 245 કિલો કિ.રૂ.12,250/-મળી કુલ અંદાજિત કિ.રૂ.1,56,647/-નો જથ્થો ચોરી થયાનુ જણાયુ હતુ. આ બનાવની ઈશ્વરભાઈ રૂમાલભાઈ પારગીએ ફરિયાદ નોંધાવતા સંતરામપુર પોલીસે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.