સંતરામપુર કોલેજના અધ્યાપિકા ડો. માલિની ગૌતમને અમર ઉજાલા ‘ભાષા બંધુ’ એવોર્ડ એનાયત

સંતરામપુર,આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુરમાં અંગ્રેજી વિષયના અધ્યાપિકા તરીકે કાર્યરત ડો. માલિની ગૌતમને અમર ઉજાલાનો ’ભાષા બંધુ’ એવોર્ડ ખ્યાત બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને રાકેશ ચૌરસિયાના હસ્તે દિલ્હીમાં તારીખ 13 માર્ચ 2024નાં રોજ એનાયત થયો. અનુવાદ શ્રેણી અંતર્ગત ‘ગુજરાતી દલિત કવિતા’ (વર્ષ: 2023) નામક પુસ્તક માટે વર્ષની શ્રેષ્ઠ અનૂદિત કૃતિ તરીકે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. દિલ્હીનાં આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજીત એક ભવ્ય સમારોહમાં ડો. માલિની ગૌતમને પ્રશસ્તિપત્ર,ગંગાપ્રતિમા અને એક લાખ રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. સમગ્ર કાર્યક્રમનું યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ પણ કરવામાં આવેલ છે. આ પૂર્વે પણ તેમના અનેક પુસ્તકોની તેમજ સર્જનાત્મક અને અનુવાદ કાર્યની નોંધ લેવાતી રહી છે.

આ પ્રસંગે આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુરના ટ્રસ્ટીગણ, આચાર્ય તેમજ સાથી અધ્યાપક મિત્રોએ આંનદની લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા છે.