સંતરામપુરના ચિચાણી ગામની પ્રા.શાળામાં આંખ ગુમાવનાર બાળકની માતાએ શિક્ષક અને આચાર્ય સામે કાર્યવાહીની માંગ કરી

સંતરામપુ ર સંતરામપુર તાલુકાના ચિચાણી ગામની પ્રાથમિક શાળામાં ધો-1માં અભ્યાસ કરતા વિધાર્થીને ચાલુ કલાસમાં અન્ય વિધાર્થીથી આંખમાં પેન્સિલ વાગી જતાં વિધાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે વિધાર્થીને શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારીના કારણે ત્વરિત સારવાર નહિ મળતા બાળકની આંખને કાયમી નુકસાન થવા પામ્યુ છે. જે બાબતે બાળકની માતાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહિ થતાં આખરે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી અપાઈ છે.

ચીચાણી પ્રા.શાળામાં ધો-1માં અભ્યાસ કરતા 7 વર્ષના વિધાર્થી બરજોડ કિશનને શાળામાં અન્ય વિધાર્થીથી ડાબી આંખમાં પેન્સિલ વાગી જતાં કિશનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે સમયે ફરજ પર હાજર વર્ગ શિક્ષક અને આચાર્ય દ્વારા બાળકને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાના બદલે તેના ધરે મુકી આવ્યા હતા. જે સમયે બાળકના મજુરી કામ કરતા માતા-પિતા બંને અન્ય શહેરમાં મજુરી અર્થે ગયા હોવાથી હાજર નહોતા. જે અંગે બંનેને જાણ થતાં તેઓ ધરે પહોંચ્યા બાદ નાની ભુગેડી સ્થિત દવાખાને સારવાર કરાવ્યા બાદ દાહોદની દ્રષ્ટિ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારબાદ અમદાવાદની નગરી હોસ્પિટલ તથા વી.એસ.હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. તેમ છતાં બાળકની આંખ સારી નહિ થતાં બાળકે કાયમી દ્રષ્ટિ ગુમાવી હતી. જે બનાવમાં શાળાના વર્ગ શિક્ષક અને આચાર્યની ગંભીર બેદરકારીના પગલે તેમની સામે તેમજ જે વિધાર્થીથી પેન્સિલ વાગી હતી તેના માતા-પિતા સામે કાર્યવાહી કરવાની માંગ બાળકની માતાએ ગોઠિબ આઉટ પોસ્ટ પોલીસ મથકમાં અરજી આપી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. જેથી આ બાબતે બાળકની માતાએ આખરે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી આપી બનાવમાં કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.