મલેકપુર, સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામેથી મકાઈના વાવેતર કરેલ ખેતરમાંથી એક બાળકની હત્યા કરેલ લાશ 15/09/2022ના રોજ મળી આવી હતી. આ ધટના સંદર્ભમાં આ ખેતરમાં માલિક નીપમભાઈ પંચાલે સંતરામપુર પોલીસ મથકે જાણ કરી હતી. ગામમાં કેટલાકે બનાવના દિવસે એક મહિલા ખેતરમાં એક બાળક લઈને ખેતર તરફ જતી જોવા મળી હતી. જેથી તે મહિલાને ઝડપી પાડીને ધનિષ્ઠ પુરપરછ હાથ ધરતા મહિલાએ તેના પ્રેમીના કહેવાથી તેના પુત્ર પ્રિન્સનુ પથ્થર મારી હત્યા કરેલાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ. જેથી સંતરામપુર પોલીસ દ્વારા જરૂરી ઓળખ પરેડ અને આરોપી મહિલા સવિતાબેનનુ 164 મુજબનુ નિવેદન લેવડાવેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસ હાથ ધરી હતી. આરોપીઓ સવિતાબેન ઉર્ફે વિમળાબેન અનીલ તડવીની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા આ કેસ મહિસાગર જિલ્લાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સેશન્સ કોર્ટમાં ફરિયાદી પંચો.સાહેદો તપાસની સરકાર પક્ષે આ કેસમાં દસ્તાવેજી આધાર પુરાવા રજુ કરી સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ સર્જન ડામોર દ્વારા દલીલો કરીને કેસના સંજોગો અને પરિસ્થિતિને પુરાવાઓને ઘ્યાને લઈને ગુનાના આરોપીઓને સખ્ત સજા કરવાની રજુઆત કરી હતી. આરોપીઓ તરફે બચાવ પક્ષના વકીલની દલીલોને સાંભળ્યા બાદ જિલ્લા સેશન્સ જજે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આ ગુનાના આરોપીઓ સવિતાબેન ઉર્ફે વિમળાબેન અનીલ તડવીને જાકબ અમાદ સભાને આજીવન કેદની સજા ફટકારી હતી.