સંતરામપુર ભુવનેશ્વરી મંદિર બાજુના જંગલમાં બે દિપડા દેખાયા

સંતરામપુર,સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જંગલોમાં દિપડાઓનો હુમલા કરવાનો ભય જોવા મળ્યો હતો. હવે ધીરે ધીરે સંતરામપુરમાં પણ દિપડાઓ આવવા લાગ્યા છે. સંતરામપુરના ડુંગર વિસ્તારમાં અચાનક બે દિપડાઓ નીચે ઉતરી આવતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. જોકે અચાનક આવેલા દિપડાઓને જોઈ લોકોએ બુમાબુમ કરતા દિપડા ફરી ડુંગરા ચઢીને જતા રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર ભુવનેશ્ર્વરી મંદિરની બાજુમાં જંગલમાંથી નીચે ડુંગરા પર એક સાથે બે નીચે દિપડાઓ ઉતરી આવ્યા હતા. ચારે બાજુ ટોળાને ટોળા ભેગા થઈ ગયા હતા અને ટોળાએ બુમ બરાડા કરી મુકતા દિપડાઓ ફરી ડુંગરામાં ચઢીને જંગલમાં જતા રહ્યા હતા. હવે રાત્રિના સમયે ડાહ્યાપુર માતરીયા જંગલમાંથી ભુવનેશ્ર્વરી માતાના મંદિર સુધી રોડ ઉપર જ દિપડાઓ જોવા મળી આવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. જંગલમાં વસવાટ કરતા દિપડાઓ હવે ધીરે ધીરે લોકોના વચ્ચે જોવા મળી આવતા ચિંતા વધી રહી છે. જેથી રાત્રિના સમયે રોડ ઉપરથી પસાર થવુ પણ હવે લોકો માટે જોખમકારક બન્યુ છે. દિપડાની સંખ્યા વધારે હોવાના કારણે અને ખોરાક ન મળવાના કારણે હવે દિપડાઓ ધીરે ધીરે શહેરમાં પ્રવેશ કરવાનુ ચાલુ કર્યુ હોવાનુ જોવા મળી રહ્યુ છે.